New Delhi તા.26
દેશમાં અમલી બનવા જઈ રહેલી નવી ફાસ્ટટેગ ટોલટેકસ નીતિમાં હવે આમ આદમી માટે પણ મુશ્કેલી અને નવા ખર્ચના સંકેત છે. કેન્દ્ર સરકારે આગામી દિવસોમાં કિલોમીટર આધારિત ફાસ્ટટેગ ઓટોમેટીક ડીડકશન પોલીસી તૈયાર કરી છે અને તેમાં ટોલનાકા નહી હોય પરંતુ તેની સાથે હવે હાઈવે પર જતા ટુવ્હીલર એટલે કે દ્વીચક્રી વાહનોને પણ ટોલટેકસમાં આવરી લેવાશે.
સરકારે તા.15 જુલાઈથી આ પોલીસી અમલમાં મુકવાની તૈયારી કરી છે જેના કારણે હાઈવે પર હવે ટોલનાકા એ ભૂતકાળ બની જાય તેવી શકયતા છે. સરકારે અગાઉ રૂા.3000ના ફાસ્ટટેગમાં એક વર્ષની સફરનો એક નવો ખ્યાલ આપ્યો હતો પરંતુ તેની સાથે હાલની જે જોગવાઈ છે તે મુજબ ટુવ્હીલરને પણ હવે હાઈવે પર ટોલટેકસ ભરવો પડશે તેવા સંકેત છે.
જો કે આ અંગે હજુ સતાવાર જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ નથી. પરંતુ સરકાર દ્વારા ટુવ્હીલરને પણ ટોલટેકસ હેઠળ આવરી લેવાની તૈયારી છે. સરકારે અગાઉ જે ડીઝીટલ ટોલ કલેકશન નીતિ જાહેર કરી હતી તેમાં બિનવ્યાપારી વાહનોને રૂા.3000માં પુરા વર્ષ સુધી ટોલ રોડ પર મુસાફરીની સુવિધા આપવામાં આવી છે. પરંતુ સરકારે તેની સાથે હવે લાખો નહી પણ કરોડો ટુવ્હીલરધારકોને પણ ટોલટેકસ હેઠળ આવરી લેવા તૈયારી કરી છે.
તે અંગે પણ ટુંક સમયમાં સરકાર નવા દર જાહેર કરે તેવી શકયતા છે. જો કે તે ફોર વ્હીલર કરતા ઓછા હશે અને તે ધોરીમાર્ગોના પ્રકાર પર આધાર રાખશે અને કેટલા અંતરનો પ્રવાસ થાય છે તે મુજબ પણ ટુવ્હીલર માટે ટોલટેકસ નકકી થશે.
હાલ દેશભરમાં ટુવ્હીલર માટે કોઈપણ પ્રકારનો ટોલટેકસ નથી. સરકાર એવો પણ સંકેત આપશે કે ઈલેકટ્રીક ટુવ્હીલરને આ પ્રકારનો ટેકસ ભરવો નહી પડે અને તે રીતે ઈ-વાહનોને પણ ઉતેજન મળશે.