New Delhi,તા.27
દેશના પર્વતીય ક્ષેત્રોમાં મેઘરાજાની મહેર હવે આફત બનીને આગળ વધી રહી છે. હવે હિમાચલથી લઈને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની સાથે વાદળો ફાટવાની ઘટના બનતા જ તબાહીના સંકેત છે. હિમાચલમાં કુલ્લુ તથા કાંગડામાં અનેક સ્થળોએ વાદળો ફાટવાની સાથે ભારે વરસાદ વરસતા જ અને અચાનક જ પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક સ્થળોએ ભેખડો ધસી પડી હતી.
રાજયમાં ત્રણ સ્થળોએ બનેલી ઘટનામાં પાંચ લોકો પૂરના પાણીમાં તણાઈને માર્યા ગયા છે જયારે 250થી વધુ લોકોને બચાવી લેવાયા છે. આ વિસ્તારમાં રાજય સરકારે પર્યટકોને સલામત સ્થળે પહોંચી જવા માટે સુચના આપી છે તથા રાજયના તંત્રને પણ એનડીઆરએફની સાથે અનેક સ્થળોએ રવાના કરીને પ્રવાસીઓને બચાવવા માટે કામગીરી શરૂ કરી છે.
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જેમાં રાજૌરીમાં પુરના પાણીમાં ફસાતા એક જ પરીવારના બે વ્યકિતના મૃત્યુ થયા છે.
ચીનાબ નદીના કીનારે અચાનક જ પૂરના પાણી ફરી વળ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ લોકો પાણીમાં ફસાયા હતા. જેમાં બે પીતરાઈ ભાઈ બહેનોના મૃત્યુ થયા છે જયારે એક બાળકીને બચાવવામાં સફળતા મળી છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં પણ વરસાદનો પ્રકોપ જારી છે અને કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે.
હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, કેરળ, કર્ણાટક, ઓરીસ્સા, બિહાર અને ઝારખંડમાં વરસાદની કહેર ચાલુ રહેશે. તેવી આગાહી કરી છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં કંચનગંગા નદીમાં પુરના પાણી ફરી વળતા નાગપુર હાઈવેને પણ અસર થઈ છે અને વાહનો હાઈવે ઉપર ફસાઈ પડયા છે.