Mumbai,તા.૨૭
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ અને ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અનુભવી ફોરવર્ડ લલિત ઉપાધ્યાય બંને વખત ભારતીય હોકી ટીમનો અભિન્ન ભાગ હતા. હવે તેમણે બે દાયકાથી વધુ સમયની તેમની શાનદાર કારકિર્દીને અલવિદા કહી દીધું છે. લલિતે ૨૦૧૪ ના વર્લ્ડ કપમાં આંતરરાષ્ટ્રીય હોકીમાં પ્રવેશ કર્યો હતો અને ઓલિમ્પિકમાં બે મેડલ જીતવા એ તેની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ હતી.
લલિત ઉપાધ્યાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોતાની નિવૃત્તિ વિશે પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે આ સફર એક નાના ગામથી શરૂ થઈ હતી, જ્યાં સંસાધનો મર્યાદિત હતા. પરંતુ સપના અમર્યાદિત હતા. સ્ટિંગ ઓપરેશનનો સામનો કરવાથી લઈને એક વાર નહીં પરંતુ બે વાર ઓલિમ્પિક પોડિયમ સુધી પહોંચવા સુધી, આ સફર પડકારો, વિકાસ અને અવિસ્મરણીય ગૌરવથી ભરેલી હતી. ૨૬ વર્ષ પછી મારા શહેરનો પ્રથમ ઓલિમ્પિયન બનવું એ એવી વસ્તુ છે જેને હું હંમેશા સંપૂર્ણ આદર સાથે યાદ રાખીશ.
લલિત ઉપાધ્યાયે ભારતીય હોકી ટીમ માટે પોતાના દમ પર ઘણી મેચ જીતી. તેમની પાસે ગોલ કરવાની અદ્ભુત ક્ષમતા હતી. તેમણે સિનિયર સ્તરે ભારતીય હોકી ટીમ માટે ૧૮૩ મેચ રમી હતી, જેમાં ૬૭ ગોલ કર્યા હતા. આ ૩૧ વર્ષીય ખેલાડીએ ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી મેચ ૧૫ જૂને ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.
ઓલિમ્પિક ઉપરાંત, લલિતે ૨૦૧૬માં એશિયન ચેમ્પિયન ટ્રોફી અને ૨૦૧૭માં એશિયા કપમાં ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેણે ૨૦૧૭ હોકી વર્લ્ડ લીગ ફાઇનલમાં બ્રોન્ઝ, ૨૦૧૮ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર, ૨૦૧૮ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ અને ૨૦૧૮ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ સહિત અન્ય ટુર્નામેન્ટમાં પણ મેડલ જીત્યા હતા. તે એફઆઇએચ પ્રો લીગ ૨૦૨૧-૨૨માં ત્રીજા સ્થાને રહેલી અને ૨૦૨૨ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમનો પણ ભાગ હતો. ભારતીય હોકીમાં યોગદાન બદલ લલિતાને ૨૦૨૧માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.