Bhavnagar,તા.21
ગઢડા તાલુકાના હોળાયા ગામે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ બોટાદ એસ.ઓ.જી. ટીમે એક શખ્સની ધરપકડ કરી છે.એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને હોળાયા ગામના મુકેશ ઉર્ફે હકો હરેશભાઈ પારેખ (ઉ.વ. ૪૨) નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે મુકેશ ઉર્ફે હકોની અંગઝડતી લેતાં તેના કમરના ભાગેથી પાસ-પરમિટ વગરનો હાથ બનાવટનો દેશી તમંચો (અગ્નિશ) મળી આવ્યો હતો. આ સાથે પોલીસે રૃ. ૫,૦૦૦ની કિંમતનો તમંચો અને રૃ. ૧૦,૦૦૦નો મોબાઈલ મળીને કુલ રૃ. ૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં મુકેશ ઉર્ફે હકો આ ગેરકાયદે હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. એસ.ઓ.જી.ના આર્મ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમારની ફરિયાદના આધારે ગઢડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી)એ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

