Bhavnagar,તા.21
બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની કડક સૂચના અંતર્ગત બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે. ભીડભાડ વાળી જગ્યાઓમાં સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી નજર ચૂકવી ગળામાંથી સોનાના ચેઈન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ચાર સાગરીતોને રૃપીયા ૧૧,૦૬,૩૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
બોટાદ શાકમાર્કેટમાંથી એક ફરિયાદીના ગળામાંથી રૃ.૧,૫૬,૩૫૦ની કિંમતની સોનાની માળા ચોરી થઈ હતી. બોટાદ એલસીબીની ટીમે ટેકનિકલ સોસસ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. રાજુલામાં અગાઉ પકડાયેલી ગેંગના ફોટા સાથે ફૂટેજ સરખાવતા કડી મળી હતી. દરમિયાન બાતમીના આધારે, બોટાદ આવેલી એક લક્ઝુરિયસ એક્સયુવી ગાડી (જીજે-૦૩-પીડી-૭૯૯૩) ને અટકાવી તેમાં સવાર રાજકોટના દેવેન ઉર્ફે દિલીપ કાચા (જીમ ટ્રેનર), ડેનિસ અલ્પેશભાઈ સાવલીયા (વિદ્યાર્થિ), નિકીતાબેન સાવલીયા અને વૈશાલીબેન કાચાને ધરપકડ કરી છે. ચારેય પાસેથી ૨૦ ગ્રામ ૨૦૦ મિલિગ્રામનો સોનાનો ચેઈન, ૪ મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૃ.૧૧,૦૬,૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.આ ગેંગ વૈભવી ફોરવ્હીલ ગાડી લઈને ભીડભાડ વાળા બજારો કે મંદિરોમાં જતી હતી. ત્યાં મહિલા સાગરીતો ભીડનો લાભ લઈ કટર વડે સિનિયર સિટીઝન મહિલાઓના ગળામાંથી ચેઈન કાપી લેતી અને પુરુષ સાગરીતો રેકી કરી ગાડીમાં નાસી જવામાં મદદ કરતા હતા. મુખ્ય નિકીતાબેન સાવલીયા વિરૃદ્ધ અગાઉ રાજકોટ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં ૧૨ જેટલા ગુના નોંધાયેલા છે. આ ગેંગે બોટાદ, ગઢડા, મહુવા, તળાજા, આણંદ ઉપરાંત દમણ, મુંબઈ, માઉન્ટ આબુ, અંબાજી અને ઉજ્જૈન મહાકાલ મંદિર સહિતના સ્થળોએ ૨૫થી વધુ ચોરીઓ કર્યાંની કબૂલાત કરી છે.

