Maharashtra,તા.30
મહારાષ્ટ્ર સરકારે રવિવારે થ્રી-લેંગ્વેજ પોલિસીથી જોડાયેલા પોતાના સુધારેલા સરકારી આદેશ (GR)ને પરત લઈ લીધો છે. હિન્દીને ત્રીજી ભાષા તરીકે થોપવાના આરોપો વચ્ચે વધતા વિરોધને લઈને સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેની સાથે જ સરકારે આ નીતિની સમીક્ષા અને અમલીકરણ માટે એક નવી સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, આ નિર્ણય રાજ્ય મંત્રિમંડળની બેઠકમાં લેવાયો. તેમણે કહ્યું કે, થ્રી-લેંગ્વેજ પોલિસી અને તેના અમલીકરણની રીતને લઈને ડૉ. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જ નીતિ લાગુ કરવામાં આવશે.મુખ્યમંત્રી ફડણવીસે એ પણ સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી સમિતિની ભલામણો નથી આવતી, ત્યાં સુધી થ્રી-લેંગ્વેજ પોલિસીથી સંબંધિત બંને GR રદ કરાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારા માટે મરાઠી ભાષા જ કેન્દ્રબિંદુ છે.
રાજ્ય સરકારે એક સુધારેલો આદેશને જાહેર કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે, મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 1 થી 5 ધોરણ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ભણાવવામાં આવશે. આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રાથમિક સ્તર પર તબક્કાવાર અમલીકરણનો ભાગ હતો. જો કે, આદેશમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, જો કોઈ ધોરણમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થી હિન્દીની જગ્યાએ કોઈ અન્ય ભારતીય ભાષા પસંદ કરવા ઇચ્છે છે, તો શાળાને તે ભાષાના શિક્ષકની વ્યવસ્થા કરવી પડશે અથવા તો તે વિષય ઓનલાઇન ભણાવી શકાશે.
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની વિપક્ષી પાર્ટીઓની આકરી ટીકા કરી. તેમનો આરોપ હતો કે, સરકાર સ્થાનિક ભાષાઓને અવગણીને હિન્દીને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી રાજ્યની ભાષાઓ વિવિધા અને મરાઠી અસ્મિતાને નુકસાન થઈ શકે છે. રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)એ આ નીતિ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું અને મરાઠી ભાષાના લોકોને રોડ પર આવીને પોતાનો વિરોધ વ્યક્ત કરવાની અપીલ કરી.