અરજી કરવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ, બપોરે ૧૨ વાગ્યા સુધી
Rajkot તા. ૨૧
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી કલાકારો તથા કલાવૃંદોમાં ભાગ લઈ શકે છે.
કલા મહાકુંભમાં ચાર વયજૂથ મુજબ સ્પર્ધાઓ યોજાશે. જેમાં (૧) ૬ થી ૧૪ વર્ષ, (૨) ૧૫ થી ૨૦ વર્ષ, (૩) ૨૧ થી ૫૯ વર્ષ અને (૪) ૬૦ વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધાઓ તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થઈ જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષા સુધી તબક્કાવાર યોજાશે.
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વક્તૃત્વ, નિબંધ લેખન, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી, ઓડેસી, મોહિનીઅટ્ટમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા, ઓર્ગન, સ્કૂલ બેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખવાજ, વાયોલીન, મૃદંગમ, રાવણહથ્થો, જોડિયા પાવા, એકપાત્રીય અભિનય અને ભવાઈ જેવી કલાઓનો સમાવેશ થાય છે. સ્પર્ધક પોતાની પસંદગીની કોઈપણ એક કૃતિમાં ભાગ લઈ શકશે.
કલા મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્પર્ધકોએ નિયત નમૂનાના અરજીપત્રકમાં જરૂરી વિગતો ભરી, તેની સાથે આધારકાર્ડ તથા બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ જોડવાની રહેશે. વિગતો ભરેલુ અરજીપત્રક “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ” સરનામે તા. ૦૫-૦૮-૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફતે પહોંચાડવાનું રહેશે.
નિયત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થતી અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. તેથી રસ ધરાવતા સ્પર્ધકો અને કલાવૃંદોએ સમયમર્યાદામાં અરજી કરીને આ સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લેવા રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ. વી. દિહોરાની યાદીમાં જણાવાયું છે.

