આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’ ફળોનો ‘રાજા’ અને પોષણનો ખજાનો’ કેરી
પૌરાણિક કાળથી આધુનિક યુગ સુધી લોકોની સ્વાદેન્દ્રિય પર કેરી’નું રાજ
આંબાના વાવેતર અને આંતરપાક માટે રાજ્ય સરકારના બાગાયત ખાતાની યોજના થકી ખેડૂતોને મળ્યું પ્રોત્સાહન
આલેખન – હેમાલી ભટ્ટ
દર વર્ષે ૨૨ જુલાઈ ’રાષ્ટ્રીય કેરી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૮૭માં ’હોર્ટિકલ્ચર બોર્ડ’ દ્વારા પ્રથમ વખત ભારતમાં કેરી મહોત્સવનું આયોજન કરાયું હતું. ત્યારથી ફળફળાદી પાકમાં કેરીની ખેતી, તેની ગુણવત્તા અને પોષક તત્વો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.
સૌરાષ્ટ્રની ફળદ્રુપ ધરા પણ કેરીના વાવેતરમાં મહત્વનું યોગદાન આપી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા બાગાયત ખાતા પાસેથી મળેલી માહિતી મુજબ, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૫૭ હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારનું બાગાયત ખાતું કેરી પકવતા ખેડૂતોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. બાગાયત ખાતા દ્વારા આંબા પાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવી ક્રોપ ડાઇવર્સીફીકેશન’ (યોજના ક્રમાંકઃ ૐઇ્-૨,૩,૪) હેઠળ આંબાની ખેતી કરતા ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ આંબાના વાવેતર માટે પ્રતિ કલમ મહત્તમ રૂ. ૧૦૦/- અથવા ખરેખર થયેલ ખર્ચ-બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઈ પ્રતિ હેક્ટર વધુમાં વધુ રૂ.૦.૪૦ લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. આ ઉપરાંત, વાવેતરના પ્રથમ વર્ષે આંતરપાક તરીકે અન્ય બાગાયતી પાકના પ્લાન્ટીંગ મટીરીયલના ખર્ચના ૫૦% લેખે પ્રતિ હેક્ટર મહત્તમ રૂ.૦.૧૦ લાખ સુધી અથવા બે માંથી જે ઓછું હોય તે વધારાની સહાય તરીકે ચૂકવવામાં આવે છે.
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આંબાના ફળપાક માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા ૪૦૦ કલમોનું વાવેતર કરવું જરૂરી છે. વાવેતર માટેની કલમો દ્ગૐમ્ (નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ) દ્વારા એક્રેડિટેશન ધરાવતી નર્સરી, કૃષિ યુનિવર્સિટી અથવા બાગાયત ખાતાની સરકારી નર્સરીઓમાંથી જ ખરીદવાની રહે છે. વાવેતર સંબંધિત અન્ય તમામ ખર્ચ અરજદારે જાતે ભોગવવાનો રહે છે.
જમીનની મર્યાદા મુજબ, સામાન્ય ખેડૂતો માટે ખાતાદીઠ ઓછામાં ઓછી ૦.૨૦ હેક્ટરથી મહત્તમ ૨ હેક્ટર સુધી અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ઓછામાં ઓછી ૦.૧૦ હેક્ટરથી મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહે છે. વાવેતર પૂર્ણ થયા બાદ મદદનીશ બાગાયત નિયામક/અધિકારી અને તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા સ્થળ ચકાસણી કરીને સહાયની રકમ મંજૂર કરવામાં આવે છે.
કેરી સ્વાદનો રાજા તો છે જ સાથે પોષક તત્વોનો પણ ખજાનો છે. તેમાં વિટામિન-ઝ્ર, વિટામિન-છ, કાર્બોહાઈડ્રેટ્સ અને બીમારીઓ સામે રક્ષણ આપતા અનેક જૈવિક તત્વો રહેલા છે. ઉપરાંત, લોહીના શુદ્ધિકરણ માટે પણ કેરી રામબાણ ઈલાજ છે. આ જ કારણ છે કે, સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશો કેરીને ‘સુપરફૂડ’ તરીકે સ્વીકારે છે અને તેને તમામ ફળોમાં ’રાજા’નું સ્થાન આપે છે.
આપણા દેશમાં કેરીને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વેદો-ઉપનિષદોમાં કેરીને ’આમ્ર’ કહેવાય છે, જ્યારે રામાયણ અને મહાભારતમાં પણ આંબાના વનનો ઉલ્લેખ છે. શુભ પ્રસંગોએ આંગણે આંબાના પાનનું તોરણ બાંધવું, પૂજામાં કળશ સ્થાપના અને યજ્ઞમાં આંબાના કાષ્ઠનો ઉપયોગ કરવાની પ્રાચીન પરંપરા છે. કેરીનું ફળ ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલું છે. માનવ સંસ્કૃતિનો હિસ્સો રહેલી કેરીની આજે વિશ્વભરમાં અનેક પ્રકારની ખેતી થાય છે. તેમાંય ખાસ કરીને ’ગીરની કેસર કેરી’ પોતાના અનોખા સ્વાદ અને સુગંધને કારણે દેશ-વિદેશના સ્વાદરસિકોના હૃદય પર રાજ કરી રહી છે.
બદલાતા આધુનિક સમયમાં કેરીમાંથી આઈસ્ક્રીમ, જ્યુસ, ઠંડા પીણાં અને કેરીના પાપડ સહિત અનેકવિધ ઉત્પાદનો અને પલ્પ તૈયાર કરવામાં આવે છે, જેનાથી લોકો સમગ્ર વર્ષ દરમિયાન કેરીનો સ્વાદ માણી શકે છે.

