Ahmedabad,તા.૨૧
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેવા વન્ય પ્રાણીઓના આતંકની ઘટનાઓ વચ્ચે હાલ અમદાવાદમાં દીપડાની એન્ટ્રી થઈ હોવાની વિગતો સામે આવતા શહેરમાં અરેરાટી ફેલાઈ છે. અમદાવાદમાં ગઈકાલે પશ્નિમ વિસ્તાર ઘૂમામાં દીપડો દેખાયા બાદ ગત ૨૪ કલાકમાં વધુ બે જગ્યાએ દીપડાએ દર્શન આપ્યા છે. ગઈકાલે ઘુમામાં દીપડો દેખાયા બાદ હવે ઝુંડાલ અને ચાંદખેડા વિસ્તારની આજુબાજુમાં દીપડો દેખાયોની હોવાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે શહેરમાં દહેશત યથાવત્ જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને આ મામલે વન વિભાગ પણ દોડતું થયું છે.
વિગતે વાત કરીએ તો, અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલ સરણદીપ મેન્શન સોસાયટી નજીક રવિવારે મોડી રાત્રે દીપડો દેખાયો હતો. આ વિસ્તારમાં એક ભાઈ-બહેને દીપડાને રોડ પરથી પસાર થતો જોયો હતો. ત્યારબાદ સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં પણ દીપડો સ્પષ્ટ દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિકોએ તરત જ મ્યુનિસિપલ તંત્ર અને વન વિભાગને જાણ કરી હતી. જે બાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ અને રાજ્યના વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી ટ્રાન્કવિલાઇઝર ગન સાથે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા હતા, જેના કારણે દીપડો સોસાયટી વિસ્તારમાં ફર્યો હોવાની પુષ્ટિ થઈ હતી.
અમદાવાદમાં ૨૪ કલાકમાં બે જગ્યાએ દીપડાની દહેશત યથાવત્ જોવા મળી રહી છે. ગઈકાલે ઘુમામાં દીપડો દેખાયા બાદ હવે ઝુંડાલમાં દીપડાની એન્ટ્રી થઈ છે. ચાંદખેડા આજુબાજુમાં દીપડો દેખાયાની ચર્ચા છે. ઝુંડાલ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાએ અમદાવાદને બાનમાં લીધું હોય તેમ બે વિસ્તારમાં દીપડાની દહેશતથી વન વિભાગ એલર્ટ આવ્યું છે.

