Ambaji ,તા.૨૧
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા મા અંબાના ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી ખાતે આવેલા પવિત્ર ગબ્બર પર્વત પર જતી ‘ઉડન ખટોલા’ (રોપ-વે) સેવા આગામી ૪ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યાત્રિકોની સલામતી અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ગબ્બર રોપ-વેના વાર્ષિક તથા ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૬ થી ૨૪ જુલાઈ ૨૦૨૬ સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ ૨૫ જુલાઈ ૨૦૨૬ થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
આગામી સમયમાં પવિત્ર ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે અને ગબ્બર ગોખના દર્શને આવતા હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન યાત્રિકોનો ભારે ઘસારો રહેતો હોવાથી, તે પહેલાં જ રોપ-વેનું મેન્ટેનન્સ પૂર્ણ કરી લેવાય તે હેતુથી આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મેળાવડા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે.
જે ભક્તો ૨૧ જુલાઈથી ૨૪ જુલાઈ દરમિયાન ગબ્બર ગોખના દર્શને આવવાના હોય, તેઓ પગપાળા સોપાન (પગથિયાં) દ્વારા ચડીને ગબ્બર ગોખ સુધી પહોંચી શકશે અને માતાજીના દર્શન કરી શકશે. અંબાજી આવતા તમામ માઈભક્તોને આ સમયગાળા દરમિયાન રોપ-વે બંધ રહેવાની નોંધ લેવા મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે.

