Surat,તા.૨૧
ઓનલાઈન રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને ચૂનો લગાવતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. સોનાની ખાણમાં રોકાણના નામે એક નાગરિક સાથે ૧.૬૩ કરોડથી વધુની ઠગાઈ આચરવાના હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તરાખંડના કાશીપુરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં વપરાયેલી નકલી વેબસાઈટનું સર્વર સિંગાપોરમાં હોવાનું અને મુખ્ય સૂત્રધારો વિદેશથી નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ડિસેમ્બર ૨૦૨૪માં ફરિયાદીનો સંપર્ક ફેસબુક આઈડી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ પર વાતચીત વધારીને આરોપીઓએ જીઆરજીસી નામની કથિત ગોલ્ડ માઈનિંગ યોજનામાં રોકાણ કરવાથી રોજના ભારે નફાની લાલચ આપી હતી. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે નકલી ટ્રેડિંગ એપ અને ઈ-મેઈલ આઈડી આપ્યા હતા.
એપમાં ખોટો અને ભ્રામક નફો દર્શાવીને શરૂઆતમાં નાની રકમના વળતરની ખાતરી આપી ફરિયાદી પાસેથી મોટા પાયે રોકાણ કરાવ્યું હતું. ફરિયાદીએ જ્યારે પોતાનો નફો અને મૂળ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ ટેક્સ, માર્જિન મની, ક્રેડિટ સ્કોર ચાર્જીસ, ઓડિટ ફી અને વિથડ્રૉઅલ ચાર્જીસ જેવા અનેક બહાના હેઠળ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ૧,૬૩,૯૮,૦૧૨.૭૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
અંતે કોઈ રકમ પરત ન મળતાં ફરિયાદીએ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સુરત સાયબર ક્રાઈમ પોલીસે બીએનએસ અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડિજિટલ ટ્રેલ અને બેંક ટ્રાન્ઝેક્શનની મદદથી પોલીસ ટીમ ઉત્તરાખંડના કાશીપુર પહોંચી હતી અને મોહમ્મદ ઈઝહાર, મોહમ્મદ સુમૈર તથા મોહમ્મદ ઉવેશની ધરપકડ કરી હતી.
આ આરોપીઓ કમિશનની લાલચે પોતાના તેમજ અન્ય લોકોના બેંક ખાતાઓ સાયબર ગેંગને ભાડે આપતા હતા. આ ગેંગના મુખ્ય સૂત્રધારો હાલ ફરીદાબાદ જેલમાં બંધ હોય, તેમને ટ્રાન્સફર વોરંટથી સુરત લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની રોકાણની લાલચમાં ન આવવું અને સાયબર ફ્રોડ થાય તો તુરંત ૧૯૩૦ પર સંપર્ક કરવો.

