Ahmedabad,તા.૩૦
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં સરદાર પટેલ આવાસ યોજનાની બહાર મોડી રાત સુધી ખાણીપીણી બજાર ધમધમે છે. અહીં વર્ષો પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું. જે ગુરૂવારે રાત્રે કોઈપણ જાતની પૂર્વ મંજુરી વિના દુકાનદાર દ્વારા તોડી પાડતાં વિવાદ વકર્યો હતો. ત્યારબાદ એ.એમ.સી.ના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નોટીસ પાઠવી માત્ર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલી સંતોષ માનવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વ્હાલા દવાલાની નિતિને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જો સામાન્ય વ્યક્તિ દ્વારા રોડ ઉપર કચરો નાખવામાં આવે અથવા દુકાનની બહાર કચરો હોય તો તેના ફોટા પાડી અને સીલ મારી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આખેઆખું જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાના બદલે દંડ ફટકારવામાં આવતાં વિવાદનો મધપૂડો છેડાયો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ કોર્પોરેશન દ્વારા જાહેર શૌચાલય બનાવાયુ હતું. આસપાસ ખાણીપીણીના સ્ટોલ આવેલા છે અને આસપાસમાં જાહેર શૌચાલય પણ નથી. જેથી આ શૌચાલય સામાન્ય જનતા માટે આર્શિવાદ સમાન છે. એટલું જ નહી અહીં નાસ્તા હાઉસ અને ખાણી પીણીના સ્ટોલ હોવાથી આડેધડ વાહનોના પાર્કિંગ કરવામાં આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા થાય છે. જેને લઇને સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ટ્રાફિક વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવે છે.
બીજી તરફ આ કોમ્પ્લેક્સના મકાન માલિકોનું કહેવું છે કે ’જાહેર શૌચાલયના લીધે કેટલાક દુકાન માલિકોની દુકાનના બોર્ડ દેખાતા નથી તથા ફુટપાથની જગ્યા ઓછી થતી હોવાની બાબત દર્શાવી શૌચાલય તોડી નાંખવા ફરિયાદ કરાઈ હતી. તો બીજી તરફ સ્થાનિક રહીશોના મત મુજબ ત્રણ દિવસની રજાનો લાભ લઈ શૌચાલય તોડી પડાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.