New Delhi, તા. 22
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા પ્રસ્તાવિત નવા નિયમોને ભારતનાં ડોમેસ્ટિક ક્રિકેટમાં લાગું કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લંડન સ્થિત MCC દ્વારા ક્રિકેટ રમતને વધુ ઉત્સાહજનક અને પારદર્શક બનાવવા માટે કેટલાક સુધારા સૂચવવામાં આવ્યાં હતાં.
BCCI દ્વારા આ તમામ નવા નિયમોની નકલ દેશનાં તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને મોકલી દેવામાં આવી છે, જેથી આગામી હોમ સિઝન કોઈપણ મૂંઝવણ વગર સફળતાપૂર્વક યોજી શકાય.
આ નવા ફેરફારોથી ભારતની મુખ્ય ઘરેલૂ ટૂર્નામેન્ટ્સ જેવી કે રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સહિતની તમામ સ્પર્ધાત્મક મેચોના રોમાંચમાં વધારો થશે. બોર્ડના આ નિર્ણયથી ખાસ કરીને ફર્સ્ટ ક્લાસ મેચો, એકદિવસીય અને T20 ફોર્મેટમાં રમવાની શૈલી અને અમ્પાયરિંગના નિર્ણયો પર સીધી અસર જોવા મળશે.
ક્રિકેટનાં નિયમોમાં થયેલાં મુખ્ય ફેરફારો :-
♦ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ (ટેસ્ટ) : હવે દિવસની છેલ્લી ઓવરમાં જો કોઈ વિકેટ પડી જાય, તો પણ તે ઓવર પૂરી કરવી ફરજિયાત રહેશે. પહેલાં વિકેટ પડતાં જ અમ્પાયર દિવસની રમત પૂર્ણ જાહેર કરી શકતાં હતાં.
♦ લેગ સાઈડ વાઈડ : વનડે અને T20 મેચોમાં લેગ સાઈડ પર આપવામાં આવતાં વાઈડ બોલ માટે નવી અને સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
♦ ડેડ બોલનો નિયમ : બોલ ડેડ જાહેર કરવા માટે હવે બોલ વિકેટકીપર કે બોલરના હાથમાં હોય તે જરૂરી નથી. જો બોલ કોઈ ફીલ્ડર પાસે હોય કે મેદાન પર પડ્યો હોય, તો પણ અમ્પાયર તેને ડેડ બોલ જાહેર કરી શકશે.
♦ હેડ કોચની એન્ટ્રી : એકદિવસીય મેચ દરમિયાન ડ્રિંક્સ બ્રેક વખતે ટીમનાં હેડ કોચને મેદાન પર આવવાની અને ખેલાડીઓ સાથે વાત કરવાની મંજૂરી મળશે.
♦ શોર્ટ રન પર સ્ટ્રાઈકનો નિર્ણય : જો બેટ્સમેન જાણીજોઈને ઓછો રન લેશે (શોર્ટ રન), તો ફિલ્ડિંગ ટીમનાં કેપ્ટનને એ નક્કી કરવાનો અધિકાર મળશે કે આગામી બોલ પર કયો બેટ્સમેન સ્ટ્રાઈક પર રહેશે.
♦ બાઉન્ડ્રી અને ફિલ્ડરોનું સ્થાન : બોલ ફેંકતી વખતે તમામ ફિલ્ડરોનું બાઉન્ડ્રીની અંદર હોવું ફરજિયાત રહેશે.
♦ વિકેટકીપર માટેનાં નિયમો : બોલ ફેંકતી વખતે વિકેટકીપરે વિકેટની પાછળ હોવું જરૂરી છે. આ ઉપરાંત, રન-અપ દરમિયાન વિકેટકીપર પોતાનાં ગ્લોવ્સ આગળ રાખશે તો તેનાં પર પેનલ્ટી કે દંડ લાગશે નહીં.

