સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો, ભક્તોએ કાયમી ગાર્ડ અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની કરી માંગ
Narmada,તા.૨૧
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલા અંદાજે ૪૦૦ વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. અજાણ્યા તસ્કરે મંદિર પરિસરમાં પ્રવેશીને દાનપેટીનું તાળું તોડી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાથી પોલીસે ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ તસ્કર મંદિર નજીક વિકાસકાર્ય માટે તોડી પાડવામાં આવેલા મકાનોની દીવાલ કૂદીને મંદિર પરિસરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે દાનપેટીનું તાળું તોડી તેમાં રહેલી રોકડ રકમ ચોરી કરી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સવારે મંદિરના સેવકો અને ભક્તોને ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાના CCTVફૂટેજમાં સમગ્ર ચોરીની ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફૂટેજ કબજે કરીને આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોના અન્ય કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે જેથી તસ્કરની હિલચાલ અંગે વધુ માહિતી મળી શકે.ચોરીની ઘટના બાદ સ્થાનિક ભક્તો અને રહેવાસીઓએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં મંદિર પરિસરમાં કાયમી સુરક્ષા ગાર્ડ અથવા રાત્રિ દરમિયાન પૂરતું પોલીસ પેટ્રોલિંગ ઉપલબ્ધ નથી. ભક્તોએ મંદિરની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે કાયમી સુરક્ષા કર્મચારીઓની નિમણૂક અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓનું કહેવું છે કે ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે આરોપીને ઝડપવા માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે અને ટૂંક સમયમાં તસ્કરને ઝડપી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજપીપળાનું હરસિદ્ધિ માતાજી મંદિર ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આવી પવિત્ર જગ્યાએ બનેલી ચોરીની ઘટનાએ ભક્તોમાં ચિંતા વધારી છે. હવે સૌની નજર પોલીસ તપાસ અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવતા પગલાં પર કેન્દ્રિત થઈ છે.

