America,
અમેરિકાના એક હિન્દુ મંદિર પર વારંવાર થઈ રહેલા હુમલાને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં મંદિર પર કરવામાં આવેલા ગોળીબારની ઘટનાની નિંદા કરતા અપીલ કરવામાં આવી કે, જલ્દીમાં જલ્દી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેને ન્યાયના કટઘરામાં લાવવામાં આવે.
સેનફ્રાન્સિસ્કોમાં હાજર ભારતના કોન્સુલેટ જનરલે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે સમુદાય સાથે એકજૂટતા દર્શાવી અને તુરંત કાર્યવાહીની અપીલ કરી છે. કોન્સુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘અમે ઈસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં હાલમાં થયેલા ગોળીબારની આકરી ટીકા કરીએ છીએ અને તમામ ભક્તો તેમજ સમુદાયનું સમર્થન કરીએ છીએ. સ્થાનિક અધિકારીઓને અપીલ કરીએ છીએ કે, આરોપીઓ સામે તુરંત કાર્યવાહી કરીને તેમને ન્યાયના કટઘરામાં લાવવામાં આવે.’
મળતી માહિતી મુજબ, અમેરિકાના યુટા રાજ્યના સ્પેનિશ ફોર્કમાં હાજર ઈસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં ગોળીબારની ઘટના બની હતી. આ મંદિર પર આશરે 3 વાર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મંદિર પર 20થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જેનાથી મંદિરને ઘણું નુકસાન થયું હતું. આ મંદિર દર વર્ષે હોળીની ઉજવણી માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બે દાયકા જૂનું આ મંદિર સ્પેનિશ ફોર્કમાં એક પહાડ પર આવેલું છે.મંદિરનું સંચાલન સંભાળનાર અધિકારીઓનું કહેવું છે કે, ઘૃણાના કારણે આ હુમલા કરવામાં આવી રહ્યા છે. મંદિરની સહ-સંસ્થાપક વૈભવી દેવીએ પણ આ ઘટનાની નિંદા કરી. આ સિવાય મંદિરના અધ્યક્ષ વાઇ વાર્ડને આ ઘટના વિશે કહ્યું કે, ‘અમારૂ માનવું છે કે, આ હુમલો નફરત આધારિત હતો. આ મંદિરમાં વિવિધ ધર્મના અનેક લોકો દર્શનાર્થે આવે છે અને આ એક પવિત્ર સ્થળ છે.’ઈસ્કોન અનુસાર, રાત્રે મંદિરની ઈમારત અને આસપાસના વિસ્તારમાં 20થી 30 ગોળી ચલાવવામાં આવી હતી. જોકે, ભક્ત અને મહેમાન અંદર હતા તેથી કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ, આ ઘટનાના કારણે હજારો ડૉલરનું નુકસાન થયું છે. યુટા કાઉન્ટી શેરિફ ઑફિસ (UCSO)એ આ હુમલાને બર્બરતાપૂર્વક કૃત્ય જણાવ્યું છે. UCSO તરફથી સોશિયલ મીડિયા પર મંદિરની તસવીર શેર કરીને લખવામાં આવ્યું કે, ‘મંદિરમાં કરવામાં આવેલા બર્બરતાપૂર્ણ હુમલા વિશે જાણ થઈ છે. UCSOના અધિકારી આ મુદ્દે તપાસ કરી રહ્યા છે. મંદિર પર ચલાવવામાં આવેલી ગોળી ખોલીને પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. અમે લોકો પાસે પણ મદદ માંગી રહ્યા છીએ કે, જો મંદિર પરિસરમાં કોઈપણ શંકાસ્પદ જણાય તો મહેરબાની કરીને સેન્ટ્રલ ડિસ્પેચ (801)798-5600 પર કૉલ કરો. તમારી ઓળખ જાહેર કરવામાં નહીં આવે.’