(મિલન જોશી દ્વારા) Junagadh તા. ૨૨
જૂનાગઢ સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીમાં ફરજ પરના જુનિયર ઈજનેર પર મેં ૨૦૧૭ દરમિયાન થયેલા હુમલા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના ચર્ચાસ્પદ કેસમાં સ્થાનિક અદાલતે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. જૂનાગઢની અતિરિક્ત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ, વર્તમાન પ્રદેશ યુવા નેતા અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી જેલ તેમજ સહ-આરોપી દિલાવર ધંધુકીયાને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે.કેસની વિગતો મુજબ, જૂનાગઢ રૂરલ ડિવિઝન-૧માં વિજીલન્સ સ્ક્વોડના જુનિયર ઈજનેર હસમુખ સાવલીયાએ પાતાપુર ગામે વીજ ચેકિંગ દરમિયાન બાબુભાઈ ધંધુકીયાના જોડાણમાં ગેરરીતિ જણાતાં દંડ અને વીજ બિલ ફટકાર્યું હતું. આ વીજ જોડાણ આરોપી દિલાવર ધંધુકીયાના કુટુંબીજનનું હોવાથી તેઓ કચેરીની કાર્યવાહી સામે ખાર રાખતા હતા.
દરમિયાન, ૧૬ મે ૨૦૧૭ના રોજ બપોરે આશરે ૪૩૦ વાગ્યે અધિક્ષક ઈજનેર પી. એન. આજકીયાની ચેમ્બરમાં કિરીટ પટેલ, દિલાવર ધંધુકીયા અને ખેડૂતોનું પ્રતિનિધિમંડળ વીજ બિલ તથા પાવર ચોરીના કેસો અંગે રજૂઆત કરી રહ્યું હતું. તે સમયે જુનિયર ઈજનેર હસમુખ સાવલીયા ત્યાં પહોંચતા વાતાવરણ ઉશ્કેરાયું હતું. રજૂઆત દરમિયાન કિરીટ પટેલે ઈજનેર પર રાજકીય પક્ષના એજન્ટ તરીકે કામ કરવાનો અને ખેડૂતોને ખોટા બિલ આપવાનો આક્ષેપ કરી અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમની તરફ ધસી ગયા હતા. અન્ય અધિકારીઓએ વચગાળાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જ સમયે વીજ ચેકિંગનો ખાર રાખીને બેઠેલા દિલાવર ધંધુકીયાએ અચાનક ઊભા થઈ જુનિયર ઈજનેરના માથાના પાછળના ભાગે થપ્પડ મારી દીધી હતી અને ધમકી આપી હતી.
બનાવ અંગે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કલમ ૩૫૩ (સરકારી સેવક પર હુમલો/ફરજમાં અડચણ), ૫૦૪ (અપમાન) અને ૧૧૪ હેઠળ ગુનો નોંધાયો હતો. કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સીસીટીવી સર્ટિફિકેટના અભાવ અને ફરિયાદમાં વિલંબ અંગે રજૂઆતો કરી હતી. જોકે, સરકારી વકીલે પ્રત્યક્ષદર્શી અધિકારીઓની મજબૂત જુબાનીઓ અને પુરાવાઓ રજૂ કર્યા હતા. તમામ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ અદાલતે ઠરાવ્યું કે જાહેર સેવક પોતાની કાયદેસરની ફરજ પર હતા ત્યારે તેમની સાથે આ ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આથી કોર્ટે બંને આરોપીઓને આઈપીસીની કલમ-૩૫૩, ૫૦૪ અને ૧૧૪ હેઠળ દોષિત જાહેર કરી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ આ જ કેસમાં સહ-આરોપી પાતાપુરના દિલાવર બાબુ ધંધુકિયાને જુનિયર ઈજનેરને થપ્પડ મારવાના ગુનામાં બે વર્ષની સાદી કેદ તથા રૂ. ૧,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર સેવક પર હુમલો અને રાજકીય અહમના આ કેસમાં કોર્ટે કડક વલણ અપનાવતા અને ચુકાદા સમયે બંને આરોપીઓ ગેરહાજર જણાતા, તેમની સામે તાત્કાલિક ધરપકડ વોરંટ ઈશ્યૂ કરીને જેલહવાલે કરવા જિલ્લા પોલીસ અધિક્ષકને સ્પષ્ટ હુકમ કર્યો છે.

