New Delhi, તા. 3
પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં અલકાયદાએ ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કરતા ભારત સરકાર એકશનમાં આવી ગઇ છે અને આ નાગરિકોને તાત્કાલીક મુકત કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
વિદેશ મંત્રાલયએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 1 જુલાઇના કેટલાક સશસ્ત્ર હુમલાખોરોએ માલીના કાયસમાં એક ડાયમંડ સિમેન્ટ ફેકટરીમાં કામ કરતા ભારતીય કામદારોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની પાછળ અલકાયદા પાછળ છોડાયેલા નુસરત અલ ઇસ્લામ, વાલ મુસલમીનની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.
જે સંદર્ભમાં આ દેશના સત્તાવાળાઓ સાથે ભારતે સંપર્ક બનાવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ આ ભારતીયોની મુકિતના બદલે મોટી રકમની માંગણી થઇ શકે છે. સરકારે આ ત્રણે ભારતીયોના પરિવારજનોનો પણ સંપર્ક કર્યો છે અને સરકાર શકય તેટલા વહેલા તેમની મુકિત માટે પ્રયાસ કરી રહ્યા હોવાની ખાતરી આપી છે.
આ પ્રકારની ઘટનાઓમાં અલકાયદાના આતંકીઓનો મુખ્ય હેતુ ખંડણીની રકમ જ મેળવવાનો હોય છે જેમાં ફેકટરીના માલિકથી લઇને ભારત સરકાર પાસેથી નાણાની માંગણી કરશે તેવું માનવામાં આવે છે. માલીમાં આવેલા નાના ઔદ્યોગિક એકમોમાં 100થી વધુ ભારતીયો હાલ કામ કરે છે. તેમને સુરક્ષીત કરવામાં આવ્યા છે.