America, તા. 5
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીગ બ્યુટીફુલ બીલની મંજૂરીથી છંછેડાયેલા ટ્રમ્પના એક સમયના સાથી અને ટેક. તથા ઓટો જાયન્ટ કંપનીના માલિક એલન મસ્કે હવે ખુલ્લેઆમ પ્રમુખ ટ્રમ્પ સામે મોરચો માંડવાની તૈયારી કરી છે. અને તેઓએ અમેરિકામાં ત્રીજો પક્ષ રચવાની જાહેરાત કરીને આગામી દિવસોમાં અમેરિકાના રાજકારણમાં તેઓ મોટો ફેરફાર લાવશે તેવું પણ જણાવ્યું હતું.
એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ પદની ચૂંટણીમાં વિજય માટે જંગી રકમનો ખર્ચ કરીને બાદમાં ટ્રમ્પના શાસનના પ્રારંભથી જ તેમની સાથે જોડાઇ અને ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વનમેન્ટ એફીશીયન્સીના વડા પણ બન્યા બાદ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે જબરો વિવાદ સર્જાયો હતો.
અંતે મસ્કને વ્હાઇટ હાઉસ તેમજ સરકારી પદ પણ છોડવું પડયું હતું અને ખાસ કરીને તેઓ ટ્રમ્પના આ બીગ બ્યુટીફુલ બીલનો વિરોધ કરતા હતા. ગઇકાલે અમેરિકી સંસદે બહુમતીથી આ બીલ મંજૂર કરતા જ પ્રમુખ ટ્રમ્પને મોટી રાજકીય જીત મળી છે.
તેની સામે મસ્કે અગાઉ પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ ‘એકસ’ પર 1 જુલાઇના રોજ પોસ્ટ મૂકી હતી કે જો આ ખરડો મંજૂર થશે તો બીજે જ દિવસે તેઓ ‘અમેરિકા પાર્ટી’ની રચના કરશે. તેઓએ ડેમોક્રેટીક અને રીપબ્લીકથી અલગ જ વિચારધારા જરૂરી હોવાનો દાવો કર્યો હતો અને તેમણે બંને પક્ષોને એક સમાન ગણાવ્યા હતા.
હવે જયારે આ ખરડો પસાર થઇ ગયો છે તો એલન મસ્કે પોતાના રાજકીય ઇરાદાઓને આગળ ધપાવતા કહ્યું કે, તેઓ અમેરિકી કોંગ્રેસ (સંસદ)ના કિંગમેકર બનવા માંગે છે. જોકે પોતે વિદેશી નાગરિક (કેનેડીયન) હોવાથી અમેરિકામાં ચૂંટણી લડી શકે તેમ નથી પરંતુ આ ટેક બીલીયોનરે દાવો કર્યો કે તેઓ પ્રમુખ બન્યા વગર પણ પોતાનો હેતુ સિધ્ધ કરી શકે છે.
આમ કહીને તેણે પોતાના રાજકીય ઇરાદાઓ અંગે સંકેત આપી દીધો છે. મસ્કે એવું લખ્યું કે સ્વતંત્રતા દિવસ એ બે પક્ષો રીપબ્લીક અને ડેમોક્રેટીકથી સ્વતંત્ર થવાનો શું સૌથી શ્રેષ્ઠ સમય નથી.
તેમણે આમ કહીને લોકો પાસે હા અથવા ‘ના’નો જવાબ માંગ્યો હતો અને 10 કલાકમાં જ 999383 લોકોએ તેમાં પોતાના મંતવ્ય આપ્યા જેમાં 642 ટકા લોકો મસ્કના વિચારને સમર્થન આપ્યું છે. આમ તેઓએ અમેરિકી સંસદને વધુ ધારદાર બનાવવાનો પોતાનો આઇડીયા રજૂ કર્યો હતો.