Paris,તા.8
100 વર્ષ બાદ લોકો ફરી પેરિસની પ્રખ્યાત સીન નદીમાં તરતાં જોવા મળ્યાં હતાં. શનિવારે સવારે લોકોએ ખુશી ખુશીથી નદીમાં છલાંગ લગાવી હતી.
આ પહેલીવાર છે જ્યારે નદીમાં તરવાની સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. પાણીમાં બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિઓ અને વહાણોની અવરજવરને કારણે 1923થી સીનમાં તરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઓલિમ્પિક ગેમ્સ પહેલાં નદીની સફાઈ માટે લગભગ 1.5 અબજ યુરોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે મોટાભાગનાં દિવસોમાં નદીનું પાણી યુરોપિયન ધોરણો પ્રમાણે અનુકૂળ છે.
શનિવારે સવારે લોકો ટુવાલ લઈને લાઈનમાં ઊભાં હતાં. દરેકને સલામતી માટે પીળા રંગનું લાઇફ જેકેટ પહેરવું પડ્યું હતું. કેટલાક લોકોએ ખુશી વ્યક્ત કરી તો કેટલાક લોકોએ સ્વચ્છતા પર પણ શંકા વ્યક્ત કરી.
પર્યાવરણ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણીમાં બેક્ટેરિયાની માત્રા નિર્ધારિત ધોરણો કરતાં ઘણી ઓછી છે. પરંતુ નિયુક્ત વિસ્તારોની બહાર તરવા પર હજી પણ પ્રતિબંધ છે.