Vadodara,તા.9
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો વડોદરા નજીક મહીસાગર નદી પરનો ગંભીર બ્રીજ આજે સવારે એકાએક તૂટી પડતા રૂલ પરથી પસાર થઈ રહેલા અર્ધોડઝન વાહનો નદીમાં ખાબકતા હતા. ચાર લોકોના ડુબી જવાથી મોત થયા હતા. ત્રણ ઈજાગ્રસ્ત હતા અને પાંચનુ રેસ્કયુ કરાયુ હતું.
પુલ તૂટી પડવાને પગલે બન્ને બાજુ વાહનોની કતાર સાથે ટ્રાફિકજામ સર્જાયો હતો. દુર્ઘટનાના કલાકો પછી પણ કોઈ સરકારી તંત્ર ન ફરકતા જબરો આક્રોશ ફેલાયો હતો.
આ દુર્ઘટના વિશે પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્ય ગુજરાત (વડોદરા-આણંદ)થી ગુજરાતને જોડતો અને વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના મુજપર પાસેથી પસાર થતો ગંભીરા બ્રીજ આજે સવારે તૂટી પડયો હતો. બે કટકા થઈ ગયા હતા. આ વખતે ત્યાંથી પસાર થતા બે ટ્રક, એક પીકઅપ વાન, બાઈક સહિત અર્ધોડઝન વાહનો નદીમાં ખાબકયા હતા.
આ દુર્ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. વાહનો સાથે નદીમાં ખાબકેલા લોકોને બચાવવાની કામગીરી કરી હતી. સરકારી વિભાગોને જાણ કરવામાં આવી હતી છતાં કલાકો સુધી તંત્ર નહીં ફરકતા આક્રોશ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે વાહનો સાથે ખાબકેલા લોકોમાંથી બેના ડુબી જવાથી મોત નિપજયા હતા. ત્રણ ઈજાગ્રસ્ત માલુમ પડતા હોસ્પીટલો ખસેડાયા હતા. ત્રણને રેસ્કયુ કરાયા હતા. વધુ વાહનો કે લોકો છે કે કેમ તે વિશે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પુલ તૂટવાની દુર્ઘટનાને પગલે બ્રીજની બન્ને બાજુ વાહનોની કતારો સાથે ટ્રાફીક જામ સર્જાયો હતો. મોડે-મોડે પહોંચેલા તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ શરૂ કરાવવાની કવાયત કરવામાં આવી હતી.
ચોમાસાના પ્રારંભે જ રાજયભરમાં શહેરીથી માંડીને હાઈવે સુધીના રસ્તા ભાંગી તૂટી ગયા છે. પ્રચંડ જનઆક્રોશને પગલે સરકાર દ્વારા તત્કાળ રીપેરીંગ શરૂ કરાવવામાં આવ્યુ જ છે તેવા સમયે હવે બ્રીજ તૂટતા રોષ ભભુકી ઉઠયો છે. વડોદરા પાસે અચાનક ધરાશાયી થયેલા મહિસાગર નદી પરના ગંભીરા બ્રીજ અંગે અગાઉ પણ સરકાર સમક્ષ વ્યાપક ફરીયાદ થઈ હતી. અને તેમ છતા પણ આ પૂલની મરામત કે તેને બંધ કરવા અંગે સરકારે કોઈ ગંભીરતા દાખવી નહી હોવાનું બહાર આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો 45 વર્ષ જુનો છે અને તે 2020માં જ તેના સ્ટેબીલીટી રીપોર્ટની માંગ કરવામાં આવી હતી.
પુલ પરથી વાહનો પસાર થતા સમયે પુલ અત્યંત ધ્રુજતો હતો. અને 2021માં આ પુલ બંધ કરવાની માંગણી પણ થઈ હતી. પરંતુ સરકાર તરફથી તેમાં કોઈ પગલા લેવાયા ન હતા જેના કારણે આજની દુર્ઘટના બની હોવાનો આક્ષેપ થયો હતો. બ્રીજના જે રીતે બે કટકા થઈ ગયા તે દર્શાવે છે કે આ બ્રીજ તેની આયુ મર્યાદા કરતા વહેલો તુટી પડયો તેથી તેનું એકંદર બાંધકામ પણ ચર્ચામાં છે.