New Delhi,તા.9
કેન્દ્ર સરકારની અનેક નીતિઓના વિરોધમાં આજે દેશભરમાં વિવિધ કેન્દ્રીય કામદાર સંગઠનો અને ખેડૂત સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનની અસર વ્યાપક રીતે જોવા મળી રહી છે અને તેના કારણે બેંકીંગ, વિમા, તેમજ અન્ય કેન્દ્ર સરકારની સેવા સાથે જોડાયેલા અને જાહેર ક્ષેત્રો સહિતના એકમોના 25 કરોડથી વધુ કામદારો એક દિવસની હડતાલ પર જતા જ અનેક સેવાઓ ઉપર મોટી અસર થઈ છે.
અગાઉથી અપાયેલા એલાન મુજબ ઓલ ઈન્ડીયા ટ્રેડ યુનિયન તેમજ કોંગ્રેસ અને ડાબેરી પ્રેરીત કામદાર સંગઠનોની હડતાલના કારણે બેંકીંગ, વિમા, માઈનીંગ સહિતના ક્ષેત્રો, સરકારી કચેરીઓ તેમજ અનેક જાહેર સાહસોમાં આજે કામકાજ ઠપ્પ થઈ ગયું છે.
આ ઉપરાંત ખેડૂત સંગઠનોએ આ હડતાલમાં જોડાયા છે. ઓલ ઈન્ડીયા બેંક એમ્પલોઈ એસો. સાથે જોડાયેલા બેંકોના તમામ કામદાર સંગઠનો પણ હડતાલમાં સામેલ થતા જ દેશભરમાં સ્ટેટ બેંક અને ખાનગી બેંકીગ સિવાયની મોટાભાગની બેંક સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. આ ઉપરાંત એલઆઈસી અને અન્ય સરકારી વિમા કંપનીઓના પણ કર્મચારીઓ એક દિવસની હડતાલ પર છે તો સેવાને વધુ અસર થઈ છે.
આ કર્મચારી સંગઠનનો આક્ષેપ છે કે સરકાર મોટા વ્યાપારીઓ અને કોર્પોરેટ ગૃહોના ભોગે સરકારી એકમોને નબળા પાડી રહી છે આ ઉપરાંત સરકારની ખેડૂત વિરોધી નીતિ પણ અસર કરી રહી છે. જો કે હડતાલમાં રેલ્વે સેવાના કર્મચારીઓ જોડાયા નથી.
કોંગ્રેસ પ્રેરીત ઓલ ઈન્ડીયા ટ્રેડ યુનીયન અને ઈન્ડીયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, હિન્દ મજદૂર સભા, યુનાઈટેડ ટ્રેડ યુનીયને પણ આ હડતાલને સાથ આપ્યો છે જેના કારણે અસર દેખાઈ છે. યુનીયનોએ ચાર નવા શ્રમ કાનૂનનો પણ વિરોધ કર્યો છે.