Brasilia,તા.૯
બ્રાઝિલની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે વિશ્વને ખૂબ જ મજબૂત સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ પર બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી. આતંકવાદ સામેના યુદ્ધમાં બ્રાઝિલ પણ ભારતની સાથે ઉભું છે. પીએમ મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાએ બ્રાઝિલિયામાં દ્વિપક્ષીય વાતચીત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે ૬ મોટા કરારો પર હસ્તાક્ષર થયા.
દ્વિપક્ષીય વાતચીત દરમિયાન, ભારત અને બ્રાઝિલે આગામી પાંચ વર્ષમાં તેમના વેપારને ૨૦ અબજ યુએસ ડોલર સુધી બમણું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ દરમિયાન, છ મોટા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેમાં ઊર્જા, કૃષિ, ડિજિટલ ટેકનોલોજી, આતંકવાદ વિરોધી સહયોગનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી કે ભારત અને બ્રાઝિલ આતંકવાદ પ્રત્યે સમાન વિચાર ધરાવે છે. તેમણે કહ્યું, “આતંકવાદ પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હોવી જોઈએ અને બેવડા ધોરણો ન હોવા જોઈએ.” બંને દેશો આતંકવાદ અને સંગઠિત ગુના સામે લડવા, ગુપ્ત માહિતી શેર કરવા અને ડિજિટલ નવીનતા જેવા ક્ષેત્રોમાં સહયોગ પર સંમત થયા.
પીએમ મોદીએ કહ્યું કે બ્રાઝિલમાં ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસના અમલીકરણની સાથે, કૃષિ સંશોધન, આયુર્વેદના પ્રમોશન અને અવકાશ, છૈં, સુપરકોમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવામાં આવશે. બંને દેશો વચ્ચેના સંબંધોને કાર્નિવલની રંગીનતા, ફૂટબોલની ઉર્જા અને સામ્બાની સામૂહિકતા સાથે જોડતા તેમણે કહ્યું, “અમે વિઝા પ્રક્રિયાઓને સરળ બનાવીને પરસ્પર સંપર્કને પ્રોત્સાહન આપીશું.”
ભારતે હંમેશની જેમ બ્રિક્સ સમિટમાં ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવ્યો. પીએમ મોદીએ ગ્લોબલ સાઉથ, જે વિશ્વની વસ્તીના મોટા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, તેને આંતરરાષ્ટ્રીય મંચો પર અવગણવામાં આવતા નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથ વિનાની દુનિયા નેટવર્ક વિનાના મોબાઇલ સિમ જેવી છે. પીએમ મોદીએ ભારત-બ્રાઝિલ ભાગીદારીને વૈશ્વિક સ્થિરતા અને સંતુલનનો આધાર ગણાવ્યો અને કહ્યું કે વિવાદોનો ઉકેલ સંવાદ અને રાજદ્વારી દ્વારા આવવો જોઈએ.
બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન બ્રાઝિલિયા ગયા. તેમણે રાષ્ટ્રપતિ લુલા સાથેની તેમની વાતચીતને “ઉપયોગી” ગણાવી અને કહ્યું કે વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારત-બ્રાઝિલ સંકલન ’ગ્લોબલ સાઉથ’ ના અવાજને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.