California,તા.10
સ્પેસ એકસ ડ્રેગન મારફત એક્સિઓમ-4 મારફત આંતરરાષ્ટ્રીય સ્પેસલેબમાં પહોંચેલા ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલાની રીટર્ન જર્ની વિલંબમાં મુકાઈ શકે છે અને હાલના શેડયુલ મુજબ તેને ત્રણ કે ચાર દિવસ બાદ પૃથ્વી પર પરત લાવવા માટે યાન રવાના થશે.
શુભાંશુ અને તેના સાથી અવકાશયાત્રીના મૂળભૂત શેડયુલ મુજબ જે 12 દિવસ અંતરિક્ષમાં રોકાવાનું હતું તે સમય પુરો થઈ ગયો છે. યુરોપીયન સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ તા.10 એટલે કે આજે તેમની રિટર્ન જર્ની શરુ થવાની હતી. પરંતુ તે તારીખ 14 જુલાઈના શરુ થવાની શકયતા છે.
આમ ત્રણથી ચાર દિવસના વિલંબ બાદ તે પૃથ્વી પર પરત ફરશે. આ માટે એક્સિઓમના ડ્રેગન કેપ્સ્યુલ ગ્રેસ મારફત તેઓ અમેરિકાના ફલોરિડાના કિનારે એટલાંટિક મહાસાગરમાં ગલ્ફ ઓફ મેકસીકો તરીકે ઓળખાતા વિસ્તારમાં સોફટ લેન્ડીંગ એટલે કે પાણીમાં આ કેપ્સ્યુલ ઉતરવાની છે.
પરંતુ જયાં તેનું લેન્ડીંગ પોઈન્ટ છે ત્યાં અત્યંત તેજ ગતિએ હવા ચાલી રહી છે અને વરસાદ તથા તોફાન જેવી સ્થિતિ છે. જેના કારણે તેમની રિટર્ન જર્ની હાલ મુલત્વી રખાઈ છે અને એક વખત હવામાનની મંજુરી મળે પછી તેમને પૃથ્વી પર પરત લવાશે.
અગાઉ પણ એક્સિઓમ-4 મિશનના રવાના થવામાં વિલંબ થયો હતો અને હવે પૃથ્વી પર પરત થવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સ્પેસ લેબમાં જે પ્રયોગરૂપે બીજ અને નાની વનસ્પતિ ઉગાડવામાં આવી છે તે શુભાંશુ શુકલા પરત લાવશે. એક વખત અનડોકીંગની પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરુ થશે.
એટલે શુભાંશુ શુકલા અને તેના સાથીઓ ગ્રેસ કેપ્સ્યુલમાં બેસી જશે અને 28 કલાક બાદ તે પૃથ્વી પર પરત ફરશે. ખાસ કરીને તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તે સમયે કોઈ ઘર્ષણ ન સર્જાય તે ખાસ ચિંતા કરાશે. જો તા.14ના રોજ પણ વાપસી શકય ન બને તો નાસા નવી તારીખ નિશ્ર્ચિત કરશે અને તેનું સમગ્ર નિર્ણય હવામાનના આધારે કરાશે.