Kanpur તા. 28
બરફીલા વિસ્તારોમાં તૈનાત ભારતીય સૈનિકોની સુરક્ષા માટે કાનપુરમાં નવી વર્દી બનાવવામાં આવી રહી છે. આ વર્દી હિમસ્ખલન (એવલાંચ) કે બરફીલા તોફાનમાં સૈનિકના બરફ નીચે દબાઈ જવા પર તેની લોકેશન પોતે જ રેસ્ક્યૂ ટીમ સુધી પહોંચાડશે, જેથી તેને ઝડપથી શોધીને બચાવી શકાશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર, સ્માર્ટ વર્દીમાં ખાસ ઇલેક્ટ્રોનિક સર્કિટ લગાવવામાં આવી રહ્યાં છે. આ માટે વીજળી પહોંચાડનારી શાહી (ઇલેક્ટ્રિકલી ક્નડક્ટિવ ઇંક) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સર્કિટોને જીપીએસ, નાની ઇલેક્ટ્રોનિક ચિપ અને અલગ-અલગ સેન્સર સાથે જોડવામાં આવશે. આ ટેકનિકને કપડાની અંદર જ લગાવવામાં આવશે, જેથી સૈનિકોને કોઈ અલગ ભારે ડિવાઇસ સાથે રાખવું ન પડે. વર્દીને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે તેને પહેરવા, વાળવા, ધોવા કે લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી પણ તે યોગ્ય રીતે કામ કરતી રહે.
ભવિષ્યમાં આ સ્માર્ટ વર્દીમાં સૈનિકની શારીરિક સ્થિતિ, શરીરનું તાપમાન, હૃદયનાં ધબકારા અને અન્ય સંકેતો પર નજર રાખવા (મોનિટરિંગ) જેવી સુવિધાઓ પણ ઉમેરી શકાય છે.
“ડીએમએસઆરડીઈ અને યુપીટીટીઆઈ મળીને એવી સ્માર્ટ વર્દી તૈયાર કરી રહ્યાં છે જે બરફીલા ક્ષેત્રોમાં તૈનાત સૈનિકોની સુરક્ષા વધારવામાં મદદ કરશે.” – પ્રો. મુકેશ કુમાર સિંહ, ડીન એકેડેમિક, યુપીટીટીઆઈ

