Jamnagar તા ૧૨
, જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક બપોરના સમયે જામનગર તરફ આવી રહેલી એક કાર કે જેમાં અકસ્માતે એકાએક આગ લાગી ગઈ હતી, અને કાર ભડકે બળી હતી. સદભાગ્યે કારના ચાલક સહી સલામત રીતે બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમેં પહોંચી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી. આ બનાવને લઈને વાહન વ્યવહારને અસર થઈ હતી. પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો, અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. આગના આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર તાલુકાના ખીલોસ ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા રાજેશભાઈ કરમશીભાઈ ઉધાડ કે જેઓ રાજકોટથી જામનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાની આઈ -૧૦ કારમાં આવી રહ્યા હતા. દરમિયાન બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં ફલ્લા ગામના પાટીયા પાસે કારમાં એકાએક આગ લાગી ગઈ હતી, અને જોત જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
કારની અંદર એકલા બેઠેલા રાજેશભાઈ કે જેઓ તુરત જ કારમાંથી બહાર નીકળી ગયા હતા, અને તેઓનો બચાવ થયો હતો. થોડીક ક્ષણોમાં જ કાર ભડકે બળવા લાગી હતી. જેથી ફાયર બ્રિગેડને જાણ કરાતાં ધ્રોળ ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણી નો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પહેલા કારમાં ભારે નુકસાન થયું હતું.
આ બનાવને લઈને જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર વાહન વ્યવહારને અસર થઈ હતી. જે બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એન.શેખને માહિતી મળતાં તેઓએ પોતાની ટીમને સ્થળ પર દોડાવી હતી, અને પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ તેઓની ટીમ સાથે તુરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તુરત જ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. જ્યારે રાજેશભાઈ નું નિવેદન નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.