New Delhi તા.29
કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સોશ્યલ મીડીયાએ મોટી ભૂમિકા ભજવી છે અને આંદોલનના દિવસો દરમ્યાન દેશભરમાંથી નીટ લીકેજ, સરકારની બેદરકારી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિધાનો તેમજ સંબોધન સંબંધી વાંધાજનક પોસ્ટનો દરિયો સર્જાયો હતો.
જેમાંથી હવે કેન્દ્ર સરકારે બોધપાઠ લઈને તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને કવીક રિસ્પોન્સ ટીમ રચવા અને સોશ્યલ મીડીયા પર રિયલ ટાઈમ ફેક કન્ટેન્ટ શોધીને તે દુર થાય તે જોવા આદેશ આપ્યો છે.
દિલ્હી પોલીસે આપેલી માહિતી મુજબ સોશ્યલ મીડીયામાં આ પ્રકારે જે પોસ્ટ વાઈરલ થઈ રહી છે તે સંદર્ભમાં અનેક માહિતીઓ જૂઠી તથા અર્ધસત્ય હોવાનું બહાર આવ્યું છે જે બાદ કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો તેમના વિભાગોમાં એક કવીક રિસ્પોન્સ ટીમ બનાવશે જે સોશ્યલ મીડીયા પર સતત નજર રાખશે અને બે કલાકમાં જ આ પ્રકારના વિડીયો દુર થાય તે નિશ્ચિત કરશે જે રીતે જંતર મંતર આંદોલન અને તેની સાથે જોડાયેલી ઘટનાઓમાં જનરેશન ઝેડ દ્વારા સોશ્યલ મીડીયાનો મોટો ઉપયોગ થયો હતો.
તેને કારણે સરકારને આંદોલનને પહોંચી વળવું મુશ્કેલ બન્યુ હતું તેથી જ હવે દરેક વિભાગો આ પ્રકારના ડિઝીટલ કન્ટેન્ટ સામે કામ લઈ શકે તેવા ટેકનોલોજીથી માહિતગાર લોકોની એક ટીમ બનાવવા જણાવ્યું છે અને જે તે વિભાગોની સાચી માહિતી લોકો સુધી પહોંચે તે પણ નિશ્ચિત કરાશે. ઈન્સ્ટાગ્રામ, યુટયુબ, એકસ અને ફેસબુક પર તે નજર રાખશે અને વોટસએપના કોમ્યુનીકેશન પર મોનેટરીંગ કરાશે.નીટ પેપર લીક મુદે દિલ્હીમાં અને દેશભરમાં થયેલા આંદોલનો સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુરક્ષા દળો વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ સામે કેન્દ્ર સરકારે સોશ્યલ મીડીયાને નોટીસ ફટકારીને આ પ્રકારના કન્ટેન્ટ તાત્કાલીક દુર કરવા આદેશ આપ્યો છે અને તે પોસ્ટ કરનાર લોકોની પણ માહિતી આપવા જણાવ્યુ છે.
સોશ્યલ મીડીયાના માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ એકસ પર આ પ્રકારે વાંધાજનક વિડીયો વાયરલ થયા છે અને તેમાં વડાપ્રધાન તેમજ સુરક્ષાદળો અંગે આપતિજનક પોષ્ટ મુકાઈ છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 400 જેટલા હેન્ડલની ઓળખ મેળવી લેવાઈ છે.
દિલ્હી પોલીસે પણ આ અંગે એકસ હેન્ડલ પરથી માહિતી મેળવીને આ હેન્ડલનું સંચાલન કરનારને નોટીસ મોકલવાની કામગીરી શરુ કરી છે અને તેમાં આગામી દિવસોમાં પોલીસ એફઆઈઆર પણ નોંધે તેવી શકયતા છે. સોશ્યલ મીડીયામાં વડાપ્રધાનના સંબોધન તથા અન્ય વકતવ્યોની પેરોડી કરીને વિડીયો પોસ્ટ કરાયા હતા.

