– કલ્પેશ દેસાઈ
“તારું નામ શું?”
નવા ફ્લેટની કામ ચલાવ બનાવવામાં આવેલી ઓફિસમાં પહોંચતા જ છાંયાએ વૈશાલીને પ્રશ્ન કર્યો.
“વૈશાલી”
વૈશાલી એ પણ ટૂંકો જવાબ આપ્યો કેમકે, અનેક લોકોના ઇન્ટરવ્યૂ કરી ચૂકેલી અનુભવી તેમજ મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની વૈશાલી નક્કી કરીને આવી હતી કે, પ્રાથમિક તબક્કે ટૂંકા જવાબો જ આપવા અને ઇન્ટરવ્યૂ લેનારનું રિએક્શન નોંધવું.
“ક્યાં રહેવાનું?”
છાંયાએ ફરીથી સાવ સામાન્ય પ્રશ્ન પૂછ્યો.
“પાલડીમાં”
વૈશાલીએ પણ ટૂંકો જવાબ આપ્યો.
સાથે સાથે વૈશાલીએ નોંધ લીધી કે, છાંયાએ હજુ સુધી તેની પાસેથી બાયોડેટા પણ માંગ્યો નથી, તેમજ સાવ સામાન્ય કક્ષાના કહી શકાય તેવા પ્રશ્નો પૂછી રહી છે એટલે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ અનુભવી કે ઇન્ટરવ્યૂ લેવાની પ્રક્રિયાઓથી જાણકાર નથી.
થોડી સેકન્ડ માટે બંને વચ્ચે મૌન છવાયેલું રહ્યું કેમકે, છાંયાના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે હવે આગળ પૂછવું શું?, પોતાની અણઆવડત પણ સામેવાળી વ્યક્તિ પર છતી ન થઈ જાય અને ઇન્ટરવ્યૂ દેવા આવનાર પર પોતાનો પ્રભાવ અકબંધ રાખી શકાય તે માટે છાયા કોઈ આડો અવળો પ્રશ્ન પૂછવા માગતી ન હતી.
તે દરમિયાન વૈશાલી ફ્લેટના એક રૂમમાં બનાવેલ ઓફિસનું નિરીક્ષણ કરી રહી હતી તે જોઈ છાંયાએ મોન તોડ્યું.
“અમારી મુખ્ય ઓફિસ તો બાજુના ફ્લેટમાં છે, હજુ આજે જ અમે આ નવી જગ્યા લીધી તેથી આ કામ ચલાઉ ઓફિસ ઊભી કરી છે. વ્યવસ્થિત ફર્નિચર વાળી આલીશાન ઓફિસ ટૂંક સમયમાં બનાવીશું.”
બસ!, છાંયાના આવા બિનજરૂરી ખુલાસા સાથે જ વૈશાલીને ખાતરી થઈ ગઈ કે, પોતે જે કામ માટે અહીં આવી છે તે સાવ સહેલાઈથી પાર પાડી અને આ કંપનીમાં એમ્પ્લોઇ તરીકે તે પ્રવેશ મેળવી લેશે. કારણકે, હજુ સુધી ન તો ઇન્ટરવ્યૂ લેનારે તેની પાસેથી બાયોડેટા માંગ્યો હતો, કે ન તો કોઈ ઢંગના પ્રશ્નો પૂછ્યા હતા. ઉલટાનું સામે ચાલીને બિનજરૂરી ચોખવટો કરી રહી હતી. અને તે ક્ષણે જ વૈશાલીએ મનોમન નક્કી કર્યું કે, હવે આગળનો ઇન્ટરવ્યૂ કેવી રીતે ચાલશે તેની કમાન વૈશાલીના પોતાના હાથમાં હશે અને પોતાની યોજનાના ભાગરૂપે વગર માગ્યે, વૈશાલીએ પોતાની બેગમાંથી પોતાનો બાયોડેટા બહાર કાઢી છાયા સામે ધરી દીધો.
છાંયાએ પણ બાહોશ ઇન્ટરવ્યૂ લેનાર અધિકારીની અદાથી તે બાયોડેટા હાથમાં લઇ, તેની પર નજર ફેરવવાનું ચાલુ કર્યું. છાંયાને મનોમન એમ હતું કે, તે પોતે ઉત્તમ કક્ષાની એક્ટર છે, પરંતુ તે જાણતી નહોતી કે તેની સામે બેઠેલી વૈશાલી ઉત્તમ કક્ષાની ડિરેક્ટર છે અને છાંયા પોતાની રીતે એક્ટિંગ કરી નથી રહી, ડિરેક્ટર તેની પાસે એક્ટિંગ કરાવી રહ્યા છે.
મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની તેમજ હજારો લોકોના ઇન્ટરવ્યૂ લઈ ચૂકેલી વૈશાલીએ પોતાનો બાયોડેટા તૈયાર જ એવી રીતે કર્યો હતો કે, કોઈ પણ ઇન્ટરવ્યૂ લેનારને પહેલી જ નજરે તે બાયોડેટા આકર્ષી લે.
બાયોડેટા પર નજર ફેરવતા ફેરવતા અચાનક જ છાંયાની આંખોમાં આવેલી ચમક વૈશાલીથી અજાણ ન રહી. વૈશાલી એ બરાબર નોંધ લીધી કે, અત્યારે છાંયા વૈશાલીના બાયોડેટામાં એક વર્ષની જોબ પ્લેસમેન્ટ એજન્સી કર્મચારી તરીકેની ઇન્ટર્નશીપ વાળા પોઇન્ટનો ધ્યાનથી અભ્યાસ કરી રહી હતી.
વૈશાલી મનોમન તૈયાર થઈ ગઈ કે, છાયાનો આગામી પ્રશ્ન જોબ પ્લેસમેન્ટના અનુભવ ઉપર જ આવશે, અને થયું પણ તેવું જ.
“તે જે એક વર્ષની જોબ પ્લેસમેન્ટ એજન્સીમાં ઇન્ટર્નશીપ કરી, ત્યાં ખરેખર તારા ભાગે શું કામગીરી કરવાની આવતી હતી?”
અત્યાર સુધીનો ઇન્ટરવ્યૂ વૈશાલીની મરજી મુજબ જ ચાલી રહ્યો હતો અને હવે અહીંથી વૈશાલીએ સંપૂર્ણ કમાન પોતાના હાથમાં લઇ અને સીધો જ હુકમનો એક્કો ઉતર્યો.
“મેડમ! ત્યાં મારું કામ જોબ પ્લેસમેન્ટ એજન્સીના ગ્રાહકો એટલે કે મોટી મોટી કંપનીઓ માટે તેમની જરૂરિયાત મુજબ જોબ માર્કેટમાંથી નવા નવા એમ્પ્લોઇઝ શોધી આપવાનું અને તેમને જરૂરિયાત મુજબની ટ્રેનિંગ આપવાનું હતું.”
વૈશાલીના વિસ્તૃત જવાબ સાથે વૈશાલી છાંયાના ચહેરાનું બરાબર નિરીક્ષણ કરી રહી હતી, વૈશાલી એ નોંધ્યું કે પોતાના વિસ્તૃત જવાબની સાથે જ છાંયાના ચહેરા ઉપર હરખ છવાઈ રહ્યો હતો અને તેથી મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની તેમજ અનુભવી વૈશાલીને સો ટકા ખાતરી થઈ ગઈ કે, પોતાને તો નોકરી મળી જ જશે પણ સાથે સાથે છાંયાને બીજા અનેક કર્મચારીઓની જરૂરિયાત પણ હશે જ અને પોતાને તે કામ માટે જ અહીં અપોઇન્ટ કરવામાં આવશે.
“જો હું તને અહીં કામ કરવાની તક આપું અને તને 10 નવા કર્મચારીઓની ભરતી કરવાનું કહું તો તું કેટલા સમયમાં તે કરી શકે?”
શું કામ કરવા માટે? અથવા કઈ પોસ્ટ ઉપર કર્મચારીઓની ભરતી કરવાની છે, તેની કોઈ જ વિગત જણાવ્યા વગર ફરીથી છાંયાએ, વૈશાલીની અપેક્ષા મુજબ સાવ સામાન્ય અને સરળ પ્રશ્ન પૂછ્યો.
વૈશાલી પણ કોઈ વધુ ડીટેલમાં જવા ન માગતી હતી, તેથી તેણે છાંયાને સીધો જ ગળે ઉતરી જાય તેવો અતિ સંતોષકારક જવાબ આપ્યો.
“મેડમ! મારા માટે એક મહિનો તો બહુ થઈ ગયો.”
“ઓ.કે.! જો હું તને તક આપું તો તારી પગારની શું અપેક્ષા?”
છાંયાએ ફરીથી સાવ સામાન્ય પ્રશ્ન પૂછ્યો.
વૈશાલી હવે વધુ સવાલ જવાબ કરવાને બદલે સીધો જ ઇન્ટરવ્યૂ પૂરું કરવાના મૂડમાં હતી તેથી તેણે સીધા જ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો.
“મેડમ! સેલેરી મારા માટે બહુ મહત્વની નથી કેમકે અત્યારે મારે નોકરીની ખૂબ જ જરૂર છે, તમે કોઈપણ પ્રકારનું કામ કહેશો, તે હું પુરા દિલથી કરીશ અને જો મને તમારી નીચે કામ કરવાની તક મળશે તો તમારા જેવા પ્રતિભાવાન વ્યક્તિના અનુભવનો પણ મને લાભ મળશે તેની મને ચોક્કસ ખાતરી છે.”
વૈશાલીએ છોડેલું એક-એક તીર બરાબર લક્ષ્ય ઉપર વાગ્યું હતું. છાંયા મનોમન હરખાઈ રહી હતી કે, મારે જે પ્રકારના એમ્પ્લોયીની જરૂરિયાત હતી તે પૂરી થઈ ગઈ છે.
“ઠીક છે વૈશાલી, મારે તને વધુ કંઈ પૂછવું નથી! તારી આંખોમાં રહેલી સચ્ચાઈ અને મારા અનુભવે તારી આવડતને પારખી લીધી છે, તું આવતીકાલથી જ કામે આવવાનું શરૂ કરી દે અને પગાર માટે હું તને તારી અપેક્ષાથી કંઈક વધુ જ આપીશ, પરંતુ તારે જો ખરેખર મારી પાસેથી કંઈક શીખવું હોય તો હું કહું તે તમામ કામ આનાકાની કર્યા વગર કર
કોઈ મોટી કંપનીના સી.ઈ.ઓ.ની અદાથી છાંયાએ વૈશાલીને પોતાના પ્રભાવમાં લેવાની કોશિશ કરી, છાંયાએ એવું જતાવ્યું કે, વધુ કંઈ પૂછપરછ ન કરી અને તે વૈશાલી ઉપર કોઈક મોટો ઉપકાર કરી રહી છે.
“મેડમ! ખરેખર જરૂરિયાત વખતે મારો સમય સાચવી લઈ અને મને તક આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, હું આપને ખાતરી આપું છું કે હું આપને એક પણ વખત નિરાશ નહીં થવા દઉં”
મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની અને અનુભવી વૈશાલીએ પણ બે હાથ જોડી છાંયાની આંખમાં આંખ પરોવી ખૂબ જ ભાવુક સ્વરે છાયાનો આભાર વ્યક્ત કર્યો.
વિદેશના સેંકડો બિન નિવાસી ભારતીયોને ફ્રોડ કોલ સેન્ટરની મદદથી ડરાવી, ધમકાવી, લલચાવીને લાખો પડાવનાર તેમજ કરોડો પડાવવાના સપના સેવનાર આનંદ ભાવનગરીના પતનની શરૂઆત થઈ ચૂકી હતી.
‘માસુમ હરણીએ આજે શિકારીનો શિકાર કર્યો હતો.’
ક્રમશ: (વધુ આવતા મંગળવારે)