New Delhi,તા.18
દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો સતત ઘેરા બની રહ્યા છે. ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા ઈડીની રડારમાં આવ્યા છે. ઈડીએ દિલ્હીમાં AAPની સરકાર દરમિયાન ત્રણ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઈડીએ હોસ્પિટલ નિર્માણ, સીસીટીવી પ્રોજેક્ટ અને શેલ્ટર હોમ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
ઈડીએ આ મામલે એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ નોંધ્યો છે. ટૂંકસમયમાં જ AAPના દિગ્ગજ નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવશે. આ મામલે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈનની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે.
પહેલો કેસ રૂ. 5590 કરોડના હોસ્પિટલ નિર્માણ કૌભાંડ સંબંધિત છે. 2018-19માં દિલ્હી સરકાર દ્વારા 24 હોસ્પિટલની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. જે છ મહિનામાં તૈયાર કરવાની હતી. પરંતુ ત્રણ વર્ષ બાદ પણ બાંધકામ બાકી છે. અત્યારસુધી તેની પાછળ રૂ. 800 કરોડ ખર્ચ થઈ ચૂક્યા છે. હજી સુધી 50 ટકા જ કામ પૂરુ થયુ છે. તદુપરાંત એલએનજેપી હોસ્પિટલનો ખર્ચ રૂ. 488 કરોડથી વધી રૂ. 1135 કરોડે પહોંચ્યો છે.બીજો કેસ રૂ. 571 કરોડના સીસીટીવી કૌભાંડ સાથે જોડાયેલો છે. 2019માં દિલ્હીના 70 વિધાનસભા ક્ષેત્રોમાંથી 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના બનાવવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.ને આપ્યો હતો. પરંતુ યોજના સમયસર પૂરી થઈ ન હતી. BEL પર રૂ. 17 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો, ત્યારબાદ કોઈપણ સ્પષ્ટ કારણ વિના તે માફ કરવામાં આવ્યો હતો.ડીયુએસઆઈબી શેલ્ટર હોમના નિર્માણ કાર્યમાં 207 કરોડનું કૌભાંડ થયું હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડ (ડીયુએસઆઈબી) સાથે જોડાયેલી આ યોજનામાં ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે. જેમાં નકલી ફિક્સ્ડ ડિપોટિઝ રિસિપ્ટ મારફત રૂ. 207 કરોડની હેરાફેરી થઈ હતી. લોકડાઉન દરમિયાન દસ્તાવેજમાં જાણવા મળ્યું કે, રૂ. 250 કરોડનું શેલ્ટર હોમનું કામ ‘ઘોસ્ટ વર્કર્સ’ના નામે દર્શાવવામાં આવ્યું હતું. આ કામદારોનો પગાર કમિશન પેટે નેતાઓ સુધી પહોંચ્યું હોવાનો આરોપ છે.સૂત્રો અનુસાર, આ તમામ કેસની તપાસ સીબીઆઈ અને એસીબી દ્વારા ચાલી રહી છે. આ તપાસ એજન્સીઓની એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો છે. ટૂંકસમયમાં આ મામલે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓની પૂછપરછ થઈ શકે છે.