New Delhi,તા.18
ઓપરેશન સિંદુર બાદ ભારતે તેની સૈન્ય તૈયારીઓને ઝડપી બનાવી છે અને એક તરફ એર ડિફેન્સ સીસ્ટમ પણ નવી આધુનિક તૈયાર કરીને સેનાને સુપ્રત કરાશે તે વચ્ચે ભારતે હવે અણુશસ્ત્ર વહન કરી શકે તેવા ટુંકા અંતરના બેલેસ્ટીક મિસાઈલ પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળ પરિક્ષણ કર્યું છે.
આ રીતે પાકિસ્તાનને સંદેશો પણ મોકલી આપ્યો છે કે જો ભારત પર અણુહુમલાનો પ્રયાસ થશે તો તેનો જવાબ તૈયાર છે. પૃથ્વી-2 એ 350 કી.મી.ની રેન્જ અને અગ્નિ-1 700 કી.મી.ની રેન્જ ધરાવે છે.
બંને મિસાઈલનો ઓરિસ્સાના ચાંદીપુરના મિસાઈલ ટેસ્ટીંગ સેન્ટરથી પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને બંને સફળ રહ્યા છે. આ બંને મિસાઈલ પાકિસ્તાનને ટાર્ગેટ કરવા તૈયાર કરાયા હોવાનું માનવામાં આવે છે.
અગાઉ ભારતે 2000 કી.મી.ની રેન્જ ધરાવતા અગ્નિ-2 અને 3000 કી.મી.ની રેન્જના અગ્નિ-3 મિસાઈલ ઉપરાંત 5 હજાર કી.મી.ના રેન્જના અગ્નિ-5 મિસાઈલ પણ તૈયાર કર્યા છે જે ચીન સહિતના દેશોને ટાર્ગેટ કરી શકે છે. આજે પરિક્ષણ કરાયેલ મિસાઈલ અણુશસ્ત્ર વહન કરી શકે છે અને તે દેશના સૈન્યને સુપ્રત કરવાની તૈયારીમાં છે.