Ahmedabad,તા,19
ગુજરાતમાં ઘર બેઠા જ ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કાઢવાની સિસ્ટમ શરૂ થયાના માત્ર દસ જ દિવસમાં પાસ થતા ઉમેદવારોની ટકાવારી 90 ટકા જેટલા ઉંચાસ્તરે પહોંચી જતા ‘કાંઈક ખોટુ’ થઈ રહ્યાની શંકા ઉઠવા લાગી છે. અત્યાર સુધીમાં રાજયનાં 4000 ઉમેદવારોએ લર્નિંગ લાયસન્સ માટે ઘરબેઠા પરીક્ષા આપી છે.
અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃત કેન્દ્રો પરથી લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોની પાસ થવાની ટકાવારી 75 ટકા હતી.
આરટીઓના સૂત્રોએ કહ્યું કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા માટે શહેરોમાં ઘરબેઠા લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપનારા 90 ટકા ઉમેદવારો પાસ થયા છે. જયારે નાના શહેરો-ગ્રામ્ય સ્તરે ટકાવારી 85 ટકા છે.
રાજયમાં સાત જુલાઈથી લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને આરટીઓ માન્ય કેન્દ્રો સુધી ધકકા ન ખાવા પડે તે માટે ઘેરબેઠા જ ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરી હતી. મોબાઈલ નંબર સાથે આધારકાર્ડ લીંક ધરાવતા ઉમેદવારોને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.
પાસ થવાની ટકાવારી ઉંચી જવા વિશે એક સીનીયર અધિકારીએ, જો કે, બચાવ કર્યો હતો. તેઓએ કહ્યું કે ઓનલાઈન પરીક્ષા આપનારા શિક્ષિત અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય છે. પરીક્ષા પુર્વે મોક ટેસ્ટ પણ આપે છે.
આ સિવાય ટેસ્ટ પુર્વે ફરજીયાતપણે વિડીયો દર્શાવવામાં આવે છે તેનાથી પણ જાણકારી-માહિતી મળી જાય છે. જો કે, પરીક્ષામાં ગરબડ નહીં જ થતી હોય તેવુ માની ન લેવાય.
ઓનલાઈન પરીક્ષામાં ગરબડ રોકવા નિયમો છે છતાં કોઈપણ રીતે તે શકય છે. પરીક્ષા આપતા ઉમેદવારને માથુ હલાવવાની કે આજુબાજુ જોવાની પણ મનાઈ હોય છે. અન્યથા તુર્ત ચેતવણી આવી જાય છે.
નવી સિસ્ટમ હેઠળ 60 ટકા સાચા જવાબ આપનાર ઉમેદવાર લર્નિંગ લાયસન્સની જાતે જ પ્રિન્ટ કઢાવી શકે છે. નાપાસ થનારને સમાન પદ્ધતિથી ફરી પરીક્ષા આપવી પડે છે.
ઓનલાઈન પરીક્ષા આપનારે જ ‘ગરબડ’ની પોલ ખોલી
લર્નીંગ લાયસન્સની પરીક્ષા ચોરી કરીને પાસ કરનારા જ એક ઉમેદવારે ચોરીની પોલ ખોલી હતી અને તેની પદ્ધતિ વર્ણવી હતી. ઓનલાઈન પરીક્ષા દ્રમ્યાન વેબકેમેરામાં ન ઝીલાઈ તેવી વ્યકિત થોડી દુર બેસે છે. અવાજ ડીટેકટ થતો નથી એટલે ધીમેથી સાચા જવાબ બોલી દે છે. આ સિવાય આંગળીથી પણ નિશાની કરી દે છે.
કોઈપણ ઓનલાઈન સિસ્ટમ ફુલપ્રુફ નથી: અધિકારીનો સ્વીકાર
આરટીઓમાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે દેશના અનેક રાજયોમાં લર્નીંગ લાયસન્સ માટે આ સિસ્ટમ અગાઉથી લાગુ છે. ગુજરાતમાં હવે અમલ થયો છે. કોઈપણ ઓનલાઈન ટેસ્ટ સંપૂર્ણ ફુલપ્રુફ હોય તેવું માની ન શકાય.