“આનંદ તારું સ્વપ્ન પૂરું કરવા માટેની સીડીનું પહેલું પગથિયું આપણે ચડી ગયા છીએ. મેં એક બહુ જ હોશિયાર અને અનુભવી છોકરીને આપણા બી.પી.ઓ. માટેના નવા સ્ટાફની અપોઈન્ટમેન્ટ કરવાના કામ માટે આજે નોકરીએ રાખી લીધી છે. છોકરી આ ફિલ્ડની અનુભવી છે અને લગભગ એક મહિનામાં તો આપણે જેટલા જોઈએ છીએ તેટલા નવા નવા છોકરા છોકરીઓ આપણા માટે શોધી રાખશે અને હા! સૌથી મોટી વાત એ છે કે, છોકરીને અત્યારે પૈસાની ખૂબ જરૂર છે એટલે કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે આનાકાની કરશે નહીં કે અચકાશે નહીં.”
વૈશાલીના ગયા પછી હરખભેર છાયાએ આનંદ ભાવનગરીને માહિતી આપી.
“ખુબ સરસ છાંયા! તે હંમેશા મારી અપેક્ષા કરતા વધુ ઝડપી પરિણામ જ આપ્યું છે, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે જ્યાં સુધી તને પાકકી ખાતરી ન થઈ જાય ત્યાં સુધી એને આપણી રેગ્યુલર ઓફિસમાં અંદર લાવતી નહીં. આ નવી ઓફિસમાં જ બેસાડીને કામ કરાવજે. આપણે ઉતાવળમાં બિનજરૂરી જોખમ પણ નથી લેવું.”
“જો હુકમ મેરે આકા.”
બીજી તરફ છાંયાથી છુટા પડ્યા પછી વૈશાલીએ બહાર નીકળી ઔપચારિક રીતે પ્રફુલભાઈ સાથે વાતચીત કરી જેથી કોઈ નજર રાખી રહ્યું હોય તો તેને એવું લાગે કે ખરેખર મામા ભાણેજની ચર્ચા ચાલી રહી છે. થોડીવાર ચર્ચા કરી જાડેજા સાહેબની સૂચના મુજબ વૈશાલી પગપાળા મેઇન રોડ તરફ આગળ વધી. મેઇન રોડ સુધી પહોંચ્યા પછી જ્યારે પાકકી ખાતરી થઈ ગઈ કે, હવે કોઈ તેમને ફોલો નથી કરી રહ્યું ત્યારે લેડી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ હર્ષદ વૈશાલી પાસે આવ્યા અને વૈશાલીને પોતાની સાથે જીપમાં બેસાડી અને ત્રણે જણા જાડેજા સાહેબને મળવા ઉપડ્યા.
જાડેજા સાહેબની ચેમ્બરમાં પહોંચ્યા ત્યારે ત્રણેય એકદમ સ્વસ્થ લાગી રહ્યા હતા. વૈશાલીએ વ્યવસ્થિત રીતે તબક્કા વાર છાંયા સાથે થયેલા ઇન્ટરવ્યૂની વાતચીત જાડેજા સાહેબને જણાવી અને જાડેજા સાહેબે જરૂર જણાય તેટલા મુદ્દાની પોતાની અંગત ડાયરીમાં નોંધ કરી લીધી.
“જો દીકરી હું તને કેટલીક સૂચના આપું છું, તે બરાબર તારા મગજમાં ઉતારી લેજે.”
જાડેજા સાહેબે ગંભીરતાપૂર્વક આગળનો પ્લાન સમજાવવાની શરૂઆત કરી.
“તારે પહેલા તો એ જાણકારી મેળવવાની છે કે, તું જ્યાં બેસે છે તે ફ્લેટમાં અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે કે નહીં. જો કેમેરા લાગેલા હોય તો કેટલા કેમેરા લાગેલા છે તેની નોંધ કરી લેવાની. બીજું ત્યાં કુલ કેટલા કર્મચારીઓ કામ કરે છે, તેમાંથી કેટલી લેડીઝ અને કેટલા જેન્ટ્સ છે, તેની તારે મને માહિતી પહોંચાડવાની છે. મારી પાસે ટેનટીટીવ માહિતી તો છે જ અને તેના નામ સરનામાં પણ મારી પાસે આવી ગયા છે. મારે ફક્ત ક્રોસ વેરીફાઇ કરવા માટે તે માહિતીની જરૂર પડશે. ત્રીજું તે લોકો કઈ પ્રકારનો ગુનો કરી રહ્યા છે. મને મળેલી બાતમી, મારા અનુભવ અને મારી ધારણા મુજબ ત્યાં ચોક્કસથી મોટો આર્થિક ગુનો થઈ રહ્યો છે. ચોથું કે તારે એક અઠવાડિયાની અંદર તને મદદ કરી શકે તે પ્રકારના ત્રણ લોકોની ભરતી કોઈ પણ રીતે કરી લેવાની છે. પાંચમું અને સૌથી મહત્વનું જ્યાં સુધી આપણું આ ઓપરેશન પૂરું નથી થતું ત્યાં સુધી મારી ટીમના ચાર લોકો 24 કલાક તે ફ્લેટની આસપાસના 50 મીટર વિસ્તારમાં જ હશે એટલે તારે એક પણ ક્ષણે ગભરાવાની કે મૂંજાવાની જરૂર નથી. તને માત્ર પાંચ જ મિનિટમાં જરૂર પડશે તો મદદ મળી જશે. તું અમને મદદ કરી રહી છો અને તારી સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મારી ઉપર છે. દીકરી જરા પણ ગભરાતી નહીં.”
જાડેજા સાહેબના અવાજમાં સાચી લાગણીનો રણકો વૈશાલીએ અનુભવ્યો.
“અંકલ!”
જાડેજા સાહેબની લાગણી જોઈ અનાયાસે જ સાહેબના બદલે વૈશાલીના મોંમાંથી પહેલીવાર અંકલ શબ્દસરી પડ્યો.
“તમે મારી જરાય ચિંતા ના કરો! ઉલટાનું મને મારા રૂટિન કામમાંથી બ્રેક મળ્યો હોય, આનંદ આવે છે તેમ જ મારા સમાજ અને મારા દેશ માટે હું કંઈક સારું કામ કરી રહી છું. તેથી હું રોમાનચ પણ અનુભવી રહી છું. વળી, મારે જે કામ કરવાનું છે તે તો મારા માટે બિલકુલ નવું નથી.”
આખી યોજના મુજબ હવે જાડેજા સાહેબ કે વૈશાલીએ રૂબરૂ મળવાનું ન હતું.
વૈશાલીએ માત્ર એક નાનકડી ચબરખી પોતાની સાથે રાખવાની હતી અને રોજે રોજ ત્યાં થતી કામગીરીની ટૂંકી નોંધ તેમાં ટપકાવી અને સાંજે ઘેર જતા સમયે પોતાના રીક્ષા ડ્રાઇવરને તે આપી દેવાની હતી! કેમકે, તે રીક્ષા ડ્રાઇવર બીજું કોઈ નહીં પણ જાડેજા સાહેબનો એક કોન્સ્ટેબલ જ રહેવાનો હતો. જેથી કોઈને શક પણ ના જાય અને માહિતીની સરળતાથી આપ લે પણ થઈ જાય.
જાડેજા સાહેબની સૂચના મુજબ બીજે દિવસે સવારે વૈશાલી સંપૂર્ણ તૈયારી સાથે પોતાની નવી નોકરીએ પહોંચી. ઔપચારિક રીતે પોતાના કામ ચલાવ મામા એવા સિક્યુરિટી ગાર્ડ પ્રફુલભાઈને બે મિનિટ માટે મળી અને વૈશાલી એ ઉપર પહોંચી અને ફ્લેટની ડોરબેલ દબાવી. થોડી સેકન્ડમાં દરવાજો ખુલ્યો સામે દરવાજો ખોલનાર એક આધેડ વ્યક્તિને જોઈ વૈશાલીએ વિનમ્રતાથી કહ્યું,
” જય શ્રી કૃષ્ણ કાકા, મને છાંયા મેડમે આજથી અહીં જોબ સ્ટાર્ટ કરવાનું કહ્યું છે છાંયા મેડમ આવી ગયા છે?”
“ના, એ નથી આવ્યા પણ એણે મને તમારા વિશે જણાવી દીધું હતું. તમારું જ નામ વૈશાલીબેન ને?”
“હા, કાકા હું અંદર આવી જાવ?”
“હા, આવી જાવ. ચાલો, હું તમને તમારી બેસવાની જગ્યા બતાવી દઉં.”
વૈશાલી યંત્રવત કાકાની પાછળ પાછળ એક રૂમમાં રાખેલા ટેબલ ખુરશી પર જઈ અને ગોઠવાઈ ગઈ.
ટેબલ ઉપર એક કોમ્પ્યુટર, એક લેન્ડલાઈન ફોન અને એક પાણીની બોટલ પડ્યા હતા.
વૈશાલી એ રૂમમાં ચારે તરફ નજર ફેરવી અને ખાતરી કરી લીધી કે, હજુ સુધી ક્યાંય એ રૂમમાં કેમેરા લાગેલા ન હતા. વૈશાલીને થોડીવાર માટે તો મન થઈ આવ્યું કે, છાંયા નથી આવતી ત્યાં સુધી પેલા કાકા પાસેથી માહિતી કઢાવવાની શરૂઆત કરે. પરંતુ, આજે નોકરીનો પહેલો જ દિવસ હોય વૈશાલી એવું જોખમ ખેડવા માંગતી ન હતી. તેણે અમસ્તો જ ફોન ઉપાડી કાને ધરિયો, પરંતુ ફોનનું માત્ર ડબલું જ હતું. હજી તેમાં કનેક્શન અપાયું ન હતું. વૈશાલી અંદાજ લગાવ્યો કે, હજી લાઇન નથી આવી. તો સો ટકા ઇન્ટરનેટની લાઈન પણ નહીં આવી હોય. તેમ છતાં, ચોકસાઈ કરવા ખાતર કોમ્પ્યુટર ચાલુ કર્યું. એટલી વારમાં પેલા કાકા ચાના કપ સાથે અંદર પ્રવેશ્યા.
“લો બેન તમારી ચા.”
“ના કાકા, હું ચા કે કોફી નથી પીતી, કાકા તમારું શું નામ?”
વૈશાલીએ બને એટલી મીઠાશથી ટહુકો કર્યો.
” દેવજી”
કાકા એકદમ ટૂંકો જવાબ આપી રૂમની બહાર નીકળી ગયા.
વૈશાલીની આગળની કામગીરી છાંયા ન આવે ત્યાં સુધી શરૂ થવાની ન હોય તેની પાસે છાંયાની રાહ જોયા સિવાય છૂટકો ન હતો.
ઠીક સવારના તે જ સમયે આનંદ પોતાના એક ઓળખીતા વાગદ્દાર મિત્રને વિનંતી કરી રહ્યો હતો.
“સાહેબ, તમારી તો કોર્પોરેટ કંપનીઓ, નિગમ અને પોલિટિશિયન સાથે સારી ઓળખાણ છે. કોઈ વીજળી કંપની કોઈ વીમા કંપની કે કોઈ ટેલિકોમ્યુનિકેશન કંપનીનું કોલ સેન્ટર કોન્ટ્રાક્ટથી અપાવી દો ને, મારી પાસે મોટી ઓફિસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલડ એમ્પ્લોયીની મોટી ટીમ છે. આપની ઓળખાણ અને મારો અનુભવ સાથે મળીને બે પૈસા કમાઈએ.”
ખંધા આનંદ ભાવનાગરીએ મનોમન ઘણા દિવસથી પ્લાન ઘડી રાખ્યો હતો કે, એક વખત પોતાના ફ્રોડ કોલ સેન્ટરનું મોટું સેટઅપ ઊભું થઈ જાય તેની સાથે સાથે અમદાવાદમાં નવી આવી રહેલી મોટી મોટી કોર્પોરેટ જાયન્ટસનું કાયદેસરનું કોલ સેન્ટર પણ સમાંતર બિઝનેસ તરીકે ગોઠવતા જવું અને ફ્રોડ કોલ સેન્ટરમાંથી એક વખત ઠીક ઠાક પૈસો બની જાય પછી ધીરે ધીરે કાયદેસરના બિઝનેસમાં વળી જવું.
પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. કુદરતે નક્કી કરી રાખ્યું હતું કે, આનંદ ભાવનગરીને તેના ગુન્હાઓની સજા તાત્કાલિક આપવી.
બે વર્ષમાં કરોડોમાં મહાલવાના સપના જોતા આનંદ ભાવનગરીને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે, કાયદાના લાંબા હાથ તેના કોલર સુધી પહોંચવામાં હવે માત્ર બે વેતનું જ અંતર બાકી હતું.
ક્રમશ: (વધુ આવતા મંગળવારે)