New Delhi તા. 3
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)ના માર્કેટે જુલાઈ મહિનામાં નવો રેકોર્ડ સર્જ્યો છે. ઇંધણના ઊંચા ભાવ, નવા મોડેલોની ઉપલબ્ધતા અને વધતાં ડીલર નેટવર્કને કારણે દેશમાં કુલ EV રજીસ્ટ્રેશન વાર્ષિક ધોરણે 66 ટકાથી વધુ વધીને 3.3 લાખ યુનિટ્સ પહોંચી ગયું છે. આ વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર ક્ષેત્રનો રહ્યો છે, જેણે ઈતિહાસમાં પહેલીવાર એક જ મહિનામાં 2 લાખથી વધુ (2,04,201) યુનિટ્સ વેચાણનો આંકડો પાર કર્યો છે. જુલાઈમાં રજીસ્ટર થયેલાં કુલ ટૂ-વ્હીલર્સમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધીને 11.2 ટકા થયો છે.
ટૂ-વ્હીલર બજારમાં TVS મોટરે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખતાં જુલાઈમાં 55,465 ઈલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન નોંધાવ્યું હતું. બીજા ક્રમે બજાજ ઓટો (ચેતક) 45,562 યુનિટ્સ સાથે રહ્યું હતું.
આ ઉપરાંત, એથર એનર્જી 30,317 યુનિટ્સ સાથે ત્રીજા સ્થાને, હીરો મોટોકોર્પનું ‘વિડા’ 22,883 યુનિટ્સ સાથે ચોથા સ્થાને રહ્યું હતું, જ્યારે ઓલા ઈલેક્ટ્રિકનું વેચાણ ઘટીને 14,102 યુનિટ્સ નોંધાયું હતું.
બીજી તરફ, ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનો (કાર અને SUV)ના વેચાણમાં જૂન મહિનાના ઓલ-ટાઈમ હાઈ પ્રદર્શન બાદ જુલાઈમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, જેમાં કુલ 32,660 યુનિટ્સ રજીસ્ટર થયા હતા.
છતાં ગત વર્ષની સરખામણીએ આ વેચાણ ઘણું મજબૂત રહ્યું છે. ઈલેક્ટ્રિક કાર અને જઞટ સેગમેન્ટમાં ટાટા મોટર્સે 13,568 યુનિટ્સના વેચાણ સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

