New Delhi,તા.24
મુંબઈમાં 11 જુલાઈ 2006ના થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં તમામ 12 આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરવાના મુંબઈ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમકોર્ટે સ્ટે આપી દીધો છે અને હવે તે મુદે મહારાષ્ટ્ર સરકારને નોટીસ પાઠવી છે.
બે દિવસ પહેલા જ મુંબઈ હાઈકોર્ટે 189 લોકોના ભોગ લેનાર આ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ફરિયાદ પક્ષ આરોપ સાબીત કરવામાં નિષ્ફળ ગયો છે તેવું જણાવીને તમામ 12 આરોપીઓને તાત્કાલીક જેલમુક્ત કરવા આદેશ આપ્યો હતો જેની સામે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી અને મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.
આજે સુપ્રીમકોર્ટે કામકાજના પ્રારંભે જ હાઈકોર્ટના આદેશ સામે સ્ટે આપી દીધો છે અને એ પણ સ્પષ્ટ કર્યુ છે કે હાઈકોર્ટના ચુકાદાને પગલે જે આરોપીઓને જેલમુક્ત કરાયા છે. તેઓને ફરી જેલમાં આવવાનું રહેશે નહી પરંતુ આખરી સજાનો નિર્ણય સુપ્રીમકોર્ટના ચુકાદા પર આધારિત રહેશે.
જો કે સુપ્રીમકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યુ કે હાઈકોર્ટનો આ ચુકાદો અન્ય ચુકાદા માટે પણ કોઈ કારણ બનશે નહી. મુંબઈ હાઈકોર્ટે આપેલા ચુકાદા સામે જબરો વિરોધ થયો હતો અને મહારાષ્ટ્ર સરકારે તાત્કાલીક સુપ્રીમમાં અરજી કરી હતી.