Washington,તા.૨૪
યુએસ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવી શક્યું નહીં, પરંતુ હવે તેણે તેને વધુ ઉશ્કેરવાનો રસ્તો પસંદ કર્યો છે. યુએસ હવે યુક્રેનને લાખો ડોલરના શસ્ત્રો વેચવા જઈ રહ્યું છે. આનાથી રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભડકી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધવિરામ માટે મનાવવાનો પ્રયાસ કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું પગલું ભર્યું છે. આમ કરીને અમેરિકાએ એક રીતે રશિયા સાથે ઝઘડો કરવાનું પણ નક્કી કર્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે જણાવ્યું હતું કે તેણે યુક્રેનને તેની હવાઈ સુરક્ષા વધારવા અને બખ્તરબંધ લડાયક વાહનો પૂરા પાડવા માટે ઇં૩૨૨ મિલિયનના પ્રસ્તાવિત શસ્ત્ર વેચાણને મંજૂરી આપી છે. આ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે કોંગ્રેસને સંભવિત વેચાણ વિશે જાણ કરવામાં આવી છે, જેમાં અમેરિકન બખ્તરબંધ વાહનોના પુરવઠા, જાળવણી, સમારકામ વગેરે માટે ઇં૧૫૦ મિલિયન અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ માટે ઇં૧૭૨ મિલિયનનો સમાવેશ થાય છે.
હકીકતમાં, થોડા અઠવાડિયા પહેલા, યુએસ સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો બંધ કરવાના નિર્દેશો આપ્યા હતા. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં અચાનક પોતાનું વલણ બદલતા જાહેરમાં કહ્યું હતું કે યુએસ યુક્રેનને શસ્ત્રો મોકલવાનું ચાલુ રાખશે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, “આપણે આ કરવું પડશે. તેઓએ (યુક્રેન) પોતાનો બચાવ કરવા સક્ષમ બનવું પડશે. તેમના પર તીવ્ર હુમલો થઈ રહ્યો છે. અમે તેમને વધુ શસ્ત્રો મોકલી રહ્યા છીએ.” ટ્રમ્પના આ નિર્ણય પહેલા ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં ગરમાગરમ ચર્ચા થઈ હતી. જાન્યુઆરીમાં, યુદ્ધ સમાપ્ત કરવા અંગે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી. આ સમય દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સકી પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઝેલેન્સકી તેમના દબાણમાં આવ્યા નહીં. બેઠક અધવચ્ચે છોડીને ઝેલેન્સકી વ્હાઇટ હાઉસ છોડી ગયા. તે સમયે ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે થયેલી ચર્ચા દુનિયાએ લાઇવ કેમેરા પર જોઈ હતી. આ પછી ટ્રમ્પે યુક્રેનને મદદ ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે ટ્રમ્પનો મૂડ બદલાઈ ગયો છે.