Rajkot. તા.25
ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી રાતે રાજકોટ આવી પહોંચ્યા હતાં અને સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. આજે વ્હેલી સવારથી જ એડવોકેટ સાથે ચર્ચા કર્યા બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને બાદ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે રેન્જ સાયબર પોલીસ મથક અને ગ્રામ્ય પોલીસ લાઈનનું અનાવરણ કરી ડિજિટલ અરેસ્ટ અંગે જાગૃત રહેવાં લોકોને અપીલ કરી હતી.
ગઈકાલે સવારે કચ્છ અને બાદમાં સાંજે મોરબી પધારેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત સુધી મોરબીમાં રોકાણ કરી નેતાઓ સાથે મિટિંગો કરી હતી તેમજ લોકદરબાર યોજ્યો હતો. જે બાદ રાત્રીના 11 વાગ્યાની આસપાસ તેઓ રાજકોટ સર્કીટ હાઉસ પહોંચ્યા હતાં અને અહીં જ રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે તેઓનું સ્વાગત ધારાસભ્ય ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ સહિતના આગેવાનોએ કર્યું હતું.
આજે વ્હેલી સવારથી જ એક્ટિવ મોડમાં આવી ગયેલ હર્ષ સંઘવીએ આઠ વાગ્યામાં જ એડવોકેટ સાથે લાંબી ચર્ચા કરી હતી. જેમાં રાજનેતાઓ અને પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને ખાસ એડવોકેટના પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ માટે બાહેંધરી આપી હતી. જે બાદ તેઓને શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
જે બાદ તેઓ સર્કીટ હાઉસથી સીધા જામનગર રોડ પર નવ નિર્મિત રાજકોટ રેન્જ સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતાં અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે રેન્જ સાયબર પોલીસ મથક અને ગ્રામ્ય પોલીસ લાઈનનું લોકાર્પણ કર્યું હતું.
જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાયબર પોલીસ મથકમાં એક ડીવાયએસપીની પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને પીઆઇ સહિતની પોલીસ ટીમ સામાજિક સંસ્થા, શાળાઓમાં જઈ સાયબર અવેરનેસનું પણ કામ કરશે. ઉપરાંત જણાવ્યું કે, ડિજિટલ અરેસ્ટ જેવો શબ્દ કાયદામાં છે જ નહી જેથી લોકોએ તેમનાથી ડરવું જોઈએ નહીં અને નિડરતાથી પોલીસ મથકે પહોંચવું જોઈએ.
ઉપરાંત ન્યૂડ કોલ બાબતે પણ જણાવ્યું હતું કે, ન્યૂડ કોલન ભોગ બનનાર લોકો સામાજિક ડરના કારણે સામે નથી આવતાં અને સાયબર માફિયાનો ભોગ બને છે. લોકોએ જ જાગૃત થવું પડશે અને લોકો નહિ સમજે ત્યાં સુધી સાયબર માફિયાઓ ભોગ બનાવતાં જ રહેશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ, રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સહિતના આગેવાનો તેમજ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ એસપી હિમકરસિંહ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

