New Delhi, તા. 26
દેશ આજે કારગીલ વિજય દિવસ મનાવી રહ્યો છે તે સમયે હાલમાં જ ભારતે જે રીતે ઓપરેશન સિંદુરમાં ફકત ર9 મીનીટમાં જ પાકિસ્તાનના 9 એરબેઇઝ સહિતના સ્થળોએ જબરો હુમલો કરીને પાક.ને યુધ્ધને વિરામ માટે આજીજી કરવા મજબુર કરી દીધુ તે સ્થિતિમાં બ્રહ્મોસ મિસાઇલએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 1999ના કારગીલ યુધ્ધ સમયે ભારતીય સેનાની બોફર્સ તોપે ધુમ મચાવી હતી.
કારગીલના એ સમયને યાદ કરતા આ યુધ્ધ લડી ચુકેલા મેજર જનરલ રાજન કૌચર જેઓ સૈન્યમાંથી નિવૃત થયા છે. તેઓએ જણાવ્યું કે કારગીલ એ બે અણુશસ્ત્ર સજજ પાડોશીઓ વચ્ચે દુર્ગમ ઘાટીઓમાં લડાયેલું યુધ્ધ હતું તે પરંપરાગત યુધ્ધ બની ગયું પાકિસ્તાની સેનાના જવાનોએ કરેલી ઘુસણખોરીને મારી હટાવવા આપણા ભૂમીદળે તોપખાનાના મદદપૂર્ણ ભૂમિકા ભજવી જેમાં બોફર્સ તોપની મદદથી પાકિસ્તાની સેનાના અનેક બંકરોને ઉડાવી દેવામાં આવ્યા જેના કારણે તે જવાનો સુરક્ષા વગરના થઇ જતા તેઓ માટે ભારતીય સેનાથી બચવું મુશ્કેલ બની ગયું હતું.
એટલું જ નહીં ભારતીય હવાઇદળે ઓપરેશન સફેદ સાગરના મદદથી કારગીલ સહિતની પહાડીઓની ટોચ પર રહેલા પાકિસ્તાની સૈનિકોને ત્યાંથી પીછેહઠ કરવા માટે જે કામગીરી કરી તે સૌથી દુર્ગમ બાબત હતી અને તેના કારણે ભૂમિદળને પણ મદદ મળી. જોકે કારગીલ યુધ્ધ અને ઓપરેશન સિંદુર વચ્ચે મોટો ફેરફાર આધુનિકતાનો છે.
ભારતીય સૈન્યએ જે રીતે તેની તાકાતમાં ટેકનોલોજી અને શસ્ત્રનો જે ઉપયોગ કર્યો છે તે પાકિસ્તાન પર મોટી સરસાઇ આપે છે. ખાસ કરીને કારગીલ યુધ્ધમાં સેનાને હથિયાર પહોંચાડવામાં અત્યંત પરેશાની હતી પરંતુ ત્યારબાદ ર014થી ર0ર3 વચ્ચે બોર્ડર વિસ્તારમાં 7000 કિ.મી.ના માર્ગો બનાવાયા છે.
ઉપરાંત દુનિયાની સૌથી ઉંચાઇએ આવેલી અટલ ટનલનું નિર્માણથી હિમાલયમાં આખરી પોસ્ટ સુધી પહોંચી શકાય છે. એટલું જ નહીં 140થી વધુ હેલીપેડ અને એડવાન્સ લેન્ડીંગ રાઉન્ડ તૈયાર કરાયા છે.
સરહદ પર ઓલવેધર ટેન્ટ, સોલાર હિટેડ સેન્ટર, સેટેલાઇટ ફોન, પોર્ટેબલ ઓકિસજન યુનિટ પણ ઉપલબ્ધ છે અને હવે ડ્રોન એ ભારતીય સેના માટે સૌથી મહત્વનું હથિયાર બની ગયું છે. એટલું જ નહીં આપણુ ગુપ્તચર તંત્ર વધુ મજબુત બન્યુ છે જેના કારણે થોડી મીનીટમાં જ પાકિસ્તાનને પરાજીત કરી શકયા છીએ.