Jamnagarતા ૨૬,
જામનગર તાલુકાના જગામેડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અવસરભાઈ પરસોત્તમભાઈ ભાલોડીયા નામના ૬૧ વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી પગ ભાંગી નાખી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના ગામમાં જ રહેતા દિલીપ જીવરાજભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત બુઝુર્ગ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અવસરભાઈ કે જેઓએ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદ માટે ઉભેલા આરોપી દિલીપ ગોહિલને મત આપ્યો ન હોવાથી ગઈકાલે રસ્તામાં આરોપી મળી જતાં તમે મને મત શું કામ નથી આપ્યો, તેમ કહી જીભાજોડી કરી હતી, અને ઉસકેરાટ માં આવી જઈ બુઝુર્ગનો પગ ભાંગી નાખ્યો હતો.
આ મામલામાં પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઈ. ડી.એ. રાઠોડ હરકત માં આવી ગયા હતા, અને તાત્કાલિક અસરથી આરોપી દિલીપ જીવરાજ ગોહિલ ની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી હુમલામાં વપરાયેલો લોખંડનો પાઇપ પણ કબજે કરી લીધો છે.