New Delhi,તા.29
દેશમાં વધતા જતા પ્લાસ્ટીક મની એટલે કે ક્રેડીટ કાર્ડના ઉપયોગ સાથે હવે એક નવી ચિંતા પણ શરૂ થઈ છે. એક તરફ સરકાર દ્વારા લોકો વધુ ખર્ચ કરે છે તેને કન્ઝયુમર કોન્ફીડન્સ તરીકે ઓળખાવીને આગામી સમયમાં ઉત્પાદન અને સર્વીસ ક્ષેત્ર માટે સારા દિવસો હોવાનો સંકેત આપે છે અને બેંકો પણ હવે ક્રેડીટ કાર્ડ અત્યંત સરળતાથી ઉપલબ્ધ બનાવે છે.
તે વચ્ચે એક અહેવાલ મુજબ દેશમાં ક્રેડીટકાર્ડ ડિફોલ્ટરનું પ્રમાણ પણ સતત વધતુ જાય છે. 91થી 360 દિવસના કેડીટકાર્ડ ડિફોલ્ટરની રકમ ગત વર્ષની સરખામણીમાં 44.34 ટકા વધી છે. અને તે માર્ચ 2025ના અંતે રૂા.33886.5 કરોડ નોંધાઈ છે જે અગાઉના વર્ષે આ જ સમયગાળામાં રૂા.23475.6 કરોડ હતી.
જે દર્શાવે છે કે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરનારાઓમાં રી-પેમેન્ટ કેપેસીટીની સમસ્યા સર્જાવા લાગી છે. બેંકો દ્વારા આ પ્રકારના ડીફોલ્ટને હવે એનપીએ તરીકે વર્ગીકરણ કરવાનું શરૂ થયું છે. આ ઉપરાંત 91થી 180 દિવસના ઓવર ડયુની સંખ્યામાં રૂા.29983.6 કરોડ નોંધાઈ છે.
જે ગત વર્ષે આ જ સમયગાળામાં રૂા.20872.6 કરોડ હતી. આ દર્શાવે છે કે હવે ક્રેડીટ કાર્ડ ડિફોલ્ટરમાં વિલફુલ ડિફોલ્ટર એટલે કે ઈરાદા પૂર્વક રીપેમેન્ટ નહીં કરનારની સંખ્યા વધવા લાગી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આ ક્રેડીટકાર્ડ રીસ્ક પોર્ટફોલીયોની પણ નોંધ લીધી છે. જે 2024-25ના વર્ષમાં 8.2 ટકા નોંધાઈ છે.
ક્રેડીટ કાર્ડ એ અનસીકયોર એટલે કે બેંકો પાસે તે ધીરાણના બદલામાં કોઈ મોર્ટગેજ હોતું નથી. મે 2025ના અંતે ક્રેડીટકાર્ડનું આઉટ સ્ટેન્ડીંગ રૂા.2.90 લાખ કરોડ નોંધાયું છે જે ગત વર્ષે તે સમયગાળામાં રૂા.2.67 લાખ કરોડ હતી. વાસ્તવમાં દેશમાં ક્રેડીટકાર્ડના વ્યવહારો પણ વધતા જાય છે. માર્ચ 2025ના અંતે તે રૂા.21.09 લાખ કરોડ હતા જે તેના અગાઉના વર્ષે રૂા.18.31 લાખ કરોડ હતા.
આમ 15 ટકા વધી ગયા છે. દેશમાં હાલ માર્ચ 2025ની સ્થિતિએ 11.11 કરોડ ક્રેડીટકાર્ડ સરકયુલેશનમાં છે જે મે 2024માં 10.33 કરોડ હતા અને 2021માં જાન્યુઆરીમાં ફકત 6.10 કરોડ હતા. લોકો ક્રેડીટકાર્ડ મેળવીને ખર્ચ કરે છે.
તેમાં કેશબેક, રીવોર્ડ, ટ્રાવેલપેક પાર્ક, વ્યાજમુકત હપ્તા, એરપોર્ટ લોન્ચમાં ફ્રી સેવા આ પ્રકારની અલગ અલગ સ્કીમો પણ ગ્રાહકોને આપીને તેને ક્રેડીટકાર્ડ ઉપયોગ કરવાની ટેવ પાડવામાં આવે છે.
બેંકો ક્રેડીટ કાર્ડ પર 42થી 46 ટકા જેવું ઉંચુ વ્યાજ વસુલે છે. જે વ્યાજમુકત સમયગાળા બાદ વસુલાય છે. અને તેથી લોકો એક વખતે ખર્ચ કરી નાખ્યા બાદ તેના રીપેમેન્ટની ચિંતા કરતા નથી.