Washington,તા.30
ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફ મુદે ચાલી રહેલી વાટાઘાટમાં હવે તા.1 ઓગષ્ટની ડેડલાઈન નજીક આવી છે અને હજુ બન્ને દેશો વચ્ચે આ અંગે કોઈ સહમતી સધાઈ નથી. તેથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ આખરી સમજુતી પુર્વે ભારત પર 20-25% ટેરીફ લાદી શકે છે.
હાલમાંજ ભારતનું એક સરકારી વ્યાપારી પ્રતિનિધિમંડળ વ્યાપારમંત્રી શ્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં વોશિંગ્ટન ગયું હતું પણ કોઈ સમજુતી સધાઈ નથી તો હવે અમેરિકાનું પ્રતિનિધિમંડળ આગામી તા.25 ઓગષ્ટના ભારત આવી રહ્યું છે પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તા.1 ઓગષ્ટની ડેડલાઈન વધારવા તૈયાર નથી.
તેથી તેઓએ એપ્રિલ માસમાં ભારત પર જે એકંદર 26% ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી. તે લાઈન મુજબ 20થી25% ટેરીફની જાહેરાત કરી શકે છે. અમેરિકાએ અત્યાર સુધી બ્રિટન, યુરોપીયન સંઘ, જાપાન, ઈન્ડોનેશિયા અને વિયેટનામ સાથે વ્યાપાર સમજુતી કરી છે.
10થી19% જેટલા ટેરીફ લગાવ્યા છે. ટ્રમ્પે ભારત પર ટેરીફ મુદે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ભારત એક સારો દોસ્ત દેશ છે પરંતુ ભારતે અન્ય દેશોની સરખામણીમાં અમેરિકા પર વધુ ટેરીફ લગાવ્યા છે તે અમો સ્વીકારી શકીએ નહી અને તેથી 10% બેઝીક ટેરીફ સાથે કુલ 20-25% ટેરીફ લાગી શકે છે.
વિયેટનામ-ઈન્ડોનેશિયા જેવા દેશો કરતા ભારત બહેતર સ્થિતિમાં હોવાનો દાવો ટ્રમ્પે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના કૃષી અને ડેરી પ્રોડકટસના મુદે બન્ને દેશો વચ્ચે વાટાઘાટ અટકી છે. આ ઉત્પાદનોની અમેરિકાની નિકાસ ભારતના ખેડુતો, માલધારીઓના હિતો પર મોટી અસર કરી શકે છે. મોદી સરકાર તેમાં બાંધછોડ કરવા માંગતી નથી.