(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે પત્ની પિયર જતી રહેતાં મનમાં લાગી આવતાં એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, મૂળ છોટી ઈટારા (જિલ્લો ઝાબુઆ)ના રહેવાસી અને હાલ નાની નાગાજાર ગામે મજૂરી કામ કરતા દિલીપભાઈ લક્ષ્મણભાઈ બાંભણીયા (ઉ.વ. ૨૩)એ જાણ કરી હતી કે તેમના મોટા ભાઈ કરણભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા (ઉ.વ. ૨૫)ની પત્ની પોતાના પિતા સાથે જતી રહેતાં મનમાં લાગી આવતાં ગત તા. ૧૩ જુલાઈના રોજ તેમણે પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

