New Delhi,તા.31
મેન્ગલોરની સેન્ટ ઍલોયસિસ યુનિવર્સિટીની રેમોના ઍવેટ પરેરા નામની બેચલર ઑફ આર્ટ્સની વિદ્યાર્થિનીએ બે દિવસ પહેલા સર્જનાત્મકતા અને સહનશીલતાનો સમન્વય થાય એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
તેણે 21 જુલાઈએ સવારે એક વીકમાં 170 કલાક ભરતનાટયમ કરવાનું બીડું ઝડપ્યું હતું. આ સાહસ 28 જુલાઈએ બપોરે પૂરું થયું. આ સાહસમાં તેણે કોઈ જ લાંબા આરામ વિના સ્ટેજ પર ભરતનાટ્યમ નૃત્ય પર્ફોર્મ કર્યું હતું.
આ માટે તેણે દર ત્રણ કલાકે પંદર મિનિટનો નાનો બ્રેક લીધો હતો. 7 દિવસમાં 170 કલાક નૃત્ય કરીને તેણે ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.
રેમોનાએ ત્રણ વર્ષની ઉંમરથી ભરતનાટયમ શીખવાનું શરૂ કર્યું હતું. વર્ષોના કઠોર અભ્યાસ અને સમર્પણભાવ બાદ 2019માં તેણે રંગમંચ પર પ્રવેશ કર્યો. એ વખતે તેણે તેનો પહેલો સોલો સ્ટેજ-પર્ફોર્મન્સ કર્યો હતો.