New Delhi,તા.01
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરીફ અને રશિયા પાસેથી ક્રુડતેલ-શસ્ત્રો ખરીદી બદલ ‘પેનલ્ટી’ લગાવવા કરેલી જાહેરાતનાં ગઈકાલે મોદી સરકારે ઠંડો પ્રતિભાવ આપીને ટ્રમ્પના ટેરીફ-ટેરર સામે નહી ઝૂકવાનો સ્પષ્ટ સંદેશ ટ્રમ્પ તંત્રને મોકલી આપ્યો છે.
તો બીજી તરફ સંરક્ષણ ખરીદીમાં પણ અમેરિકા પાસેથી એફ-35 લડાયક વિમાન ખરીદવાની પણ યોજના હોવાનો ઈન્કાર કરીને વ્યાપાર કરાવ્યો. સમાન ભાગીદાર જ બની રહેશે તે સ્પષ્ટ કરી દીધુ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર 25% ટેરીફની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નાણા-વ્યાપાર સહિતના મંત્રાલયો સાથે ઉચ્ચ કક્ષાની બેઠકોનો દૌર ચલાવીને પરીસ્થિતિનો કયાસ કાઢયો હતો.
પ્રથમ સતાવાર પ્રતિભાવમાં પણ અમેરિકાને ઉશ્કેરવા માટે કોઈ કારણ આપ્યા વગર જ એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બન્ને દેશોના સંબંધોને ધ્યાનમાં રાખવાની સાથે રાષ્ટ્રીય હિતોને જાળવીને ભારત વ્યાપાર સમજુતીમાં આગળ વધશે.
ભારતે એ સ્પષ્ટ કરી દીધુ છે કે તે દેશના ખેડૂતો-વ્યાપારીઓના હિતો સાથે કોઈ સમજુતી કરશે નહી. અગાઉ ઓપરેશન સિંદુર અંગે ટ્રમ્પના દાવાને યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફગાવતા કહ્યું હતુ કે કોઈપણ વિદેશી રાષ્ટ્રનેતાએ ભારતના મામલામાં દખલ કરી નથી.
મોદી સરકાર ટ્રમ્પ સામે ઝૂકી ગઈ છે તેવા વિપક્ષના સતત દાવા-આક્ષેપો વચ્ચે પણ સરકારે સ્પષ્ટ કર્યુ કે પાક સાથે યુદ્ધ વિરામ સહિતના નિર્ણયો ભારતે જ લીધા છે અન વ્યાપાર કરારમાં પણ રાષ્ટ્રહિત જ સર્વોપરી હશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે અનેક દેશ અમેરિકાને ખુશ કરવા માટે તૈયાર છે પણ ભારતે એવો કોઈ સંકેત આપ્યો નથી. વ્યાપારમંત્રી પિયુષ ગોયલે સંસદમાં જાહેર કર્યુ કે ભારત તેના ખેડૂતો-માલધારીઓના તથા નાના વ્યાપારીઓના હિતોને અવગણવા તૈયાર નથી. સરકારના આ વલણને આરએસએસનું પણ સમર્થન છે.
બીજી તરફ અમેરિકા લડાયક વિમાનો-શસ્ત્રો ખરીદીમાં ભારત રશિયા સહિતના દેશોના બદલે અમેરિકાને અગ્રતા આપે તેવા વલણને પણ ભારતે નકાર્યુ છે. આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતથી અમેરિકા જતા માલ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા પછી ભારત સરકારે યુએસ સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની કોઈપણ યોજનાને નકારી કાઢી છે. બ્લૂમબર્ગે ભારતીય સરકારી સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી કોઈ મોટી સંરક્ષણ ખરીદી કરશે નહીં, જેમાં AF-35નો પણ સમાવેશ થાય છે. આ અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત શસ્ત્રોના સંયુક્ત વિકાસ, ટેકનોલોજીનું ટ્રાન્સફર, ભારતમાં ઉત્પાદન અને સંરક્ષણ ખરીદીમાં આત્મનિર્ભરતા જેવી શરતોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.
ઘણા સમયથી, અમેરિકન સંરક્ષણ અધિકારીઓ સંકેત આપી રહ્યા છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતમાં આ વિમાનોની ખરીદી અંગે ચર્ચા થઈ હતી. ટ્રમ્પે મીડિયા સમક્ષ ભારતને F-35 વેચવાના પ્રસ્તાવ વિશે પણ વાત કરી હતી. પરંતુ ભારત ક્યારેય તેના માટે સંમત થયું નહીં. તે સમયે, એવું કહેવામાં આવ્યું હતું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આગામી પાંચ વર્ષમાં 500 બિલિયન સુધી પહોંચી જશે અને આ માટે અમેરિકા પાસેથી મોટી માત્રામાં સંરક્ષણ ખરીદી કરવામાં આવશે.
આ અંતર્ગત, ટ્રમ્પે ભારતને F-35 વિમાન વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે તાજેતરમાં અમેરિકા પાસેથી સંરક્ષણ ખરીદીમાં વધારો કર્યો છે અને તેમાં MH 60R સીહોક હેલિકોપ્ટર અને P-8I દરિયાઈ દેખરેખ વિમાનનો સમાવેશ થાય છે. તેમ છતાં, ભારતે ભારતમાં ઉત્પાદનની શરત પૂરી ન થાય ત્યાં સુધી અમેરિકા પાસેથી હાઇ-ટેક ખરીદી કરવામાં અનિચ્છા વ્યક્ત કરી હતી.