Washington,તા.4
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. ન્યૂજર્સીમાં આવેલા ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ બેડમિન્સ્ટરના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં એક નાગરિક વિમાને પ્રવેશ કર્યો, જેના કારણે ભારે હંગામો થયો હતો. આ ઘટના રવિવારે બપોરે બની હતી, જ્યારે ટ્રમ્પ પોતે આ ગોલ્ફ ક્લબમાં હાજર હતા.
જોકે અમેરિકી સંરક્ષણ એજન્સીઓની તાત્કાલિક કાર્યવાહીથી વિમાનને સમયસર રોકી લેવાયું, પરંતુ આ ઘટના ફરી એકવાર રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરે છે. આ પહેલા પણ ટ્રમ્પની હાજરીમાં આવી ઘૂસણખોરી થઈ ચૂકી છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બને છે.
આ ઘટના રવિવારે બપોરે 12:50 વાગ્યે બની હતી. એક ખાનગી વિમાન એવા હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું, જે અસ્થાયી ઉડાન પ્રતિબંધ હેઠળ હતું. આ વિસ્તાર ખાસ કરીને ટ્રમ્પની ઉપસ્થિતિને કારણે સામાન્ય વિમાનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ, નોર્થ અમેરિકન એયરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એક્ટિવ થઈ ગયું. NORADના લડાકુ વિમાનોએ તે વિમાનને તરત જ રોકી લીધું અને પાયલટને ફ્લેયર્સ દ્વારા હવાઈ ક્ષેત્રમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો. ત્યારબાદ, વિમાનને સુરક્ષિત રીતે પ્રતિબંધિત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
આ પહેલીવાર નથી કે ટ્રમ્પની સુરક્ષામાં ચૂક થઈ હોય. આ પહેલાં, 5 જુલાઈના રોજ પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યારે ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા રજાઓ ગાળવા ન્યૂ જર્સી ગયા હતા અને એક નાગરિક વિમાન તે જ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી ગયું હતું.