Rajkot,તા.7
સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેંચ મળે તે માટે વર્ષોથી માંગણી થઈ રહી છે. ત્યારે હવે રાજકોટના વકીલોએ નવેસરથી હાઈકોર્ટની બેંચ માટે લડતના મંડાણ કર્યા છે. રાજકોટ બાર એસો.ના પ્રમુખ પરેશભાઈ મારૂ, ઉપપ્રમુખ સુમિતભાઈ વોરા, સેક્રેટરી સંદીપભાઈ વેકરીયા સહિતના હોદેદારો અને વકીલોની એક બેઠક મળી હતી. જેમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને તજજ્ઞ વકીલો સાથેની 27 એડવોકેટની એક કમિટી રચવામાં આવી છે.
રાજકોટ બારના સુત્રોએ જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છના હાર્દસમા રાજકોટ શહેરને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે અંગે રાજકોટ બાર એસોસીએશનના હોદ્દેદારોની મીટીંગમાં વિચાર વિમર્શ કરી રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ તથા તજજ્ઞ એડવોકેટોની કમિટીની રચના કરવામાં આવેલ છે. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોલાપુરને સર્કીટ બેંચ મળે તે અંગે ચીફ જસ્ટીસ દ્વારા વગર્નરની મંજુરી લઈ નવી સર્કીટ બેંચની રચના કરવામાં આવેલ છે.
જે અંગે રાજકોટ બારના સભ્યો દ્વારા આ અંગે પણ વર્ષો પહેલા રાજકોટ બાર એસો. દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટેના સને. 1983માં સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલ અને આ અંગેનું આંદોલન છ માસ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ રાજકોટ બાર એસો.ના સીનીયર વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને રાજકોટ બારના પૂર્વ પ્રમુખો દ્વારા પણ આ દીશામાં ઘણી કામગીરી કરવામાં આવેલ હતી.
જે અન્વયે રાજકોટ બાર એસો.ના સભ્યો દ્વારા આવી હાઈકોર્ટ બેંચ મળે તે સંદર્ભે અરજી આપેલ જેથી હાલ રાજકોટ બારના કાર્યરત હોદેદારો દ્વારા આ અંગેની એક મીટીંગ તા.5/8/2025ના રોજ મળેલ અને તેમાં અગાઉની તમામ રજુઆતો, પત્રવ્યવહારો તથા જે કામગીરી કરવામાં આવેલ હતી તે ધ્યાને લઈને રાજકોટ બારના 3600થી વધુ એડવોકેટોની લાગણી તથા માંગણી ધ્યાને લઈ રાજકોટ બારના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો એક કમિટીની નિમણુંક કરવામાં આવેલ છે.
આ કમિટીમાં જી.કે. ભટ્ટ, હેમેનભાઈ ઉદાણી, મહર્ષિભાઈ પંડયા, આર.એમ. વારોતરીયા, એલ.જે. શાહી, ટી.બી. ગોંડલીયા, જયેશભાઈ દોશી, જી.આર. ઠાકર, બીપીનભાઈ મહેતા, જયદેવભાઈ શુકલ, દિલીપભાઈ પટેલ, પિયુષભાઈ શાહ, આર.બી. ગોગીયા, જી.એલ. રામાણી, સંજયભાઈ વ્યાસ, રમેશભાઈ કથીરીયા, સ્મીતાબેન અત્રી, મહેશ્ર્વરીબેન ચોહાણ, અશોકસિંહ વાઘેલા, તુષારભાઈ ગોકાણી, રાજેશભાઈ મહેતા, કે.ડી. શાહ, સુરેશભાઈ સાવલીયા, બિમલ જાની, હિતેષ દવે, બીપીન આર. કોચયેશ અને વિજયભાઈ તોગડીયાનો સમાવેશ કરાયો છે. ઉપરોકત નિમણુંક કરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ બારના સીનીયર ધારાશાસ્ત્રીઓ કે જેઓ સને.1983માં પણ આ અંગેની કામગીરી કરેલ હોય તે સહીતના તમામ વિષયોના તજજ્ઞોની આ કમિટીમાં નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા રાજકોટ બાર તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળે અને રાજકોટને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે.
તે સંદર્ભે પોતાનો યશશ્વી ફાળો આપી રાજકોટ બારના માર્ગદર્શક અને પથદર્શક બની ભવિષ્યમાં રાજકોટ બારને તથા તેના સભ્યોને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવશે. રાજકોટ બારના આ નિર્ણયથી સૌરાષ્ટ્રભરના વકીલોમાં હાઈકોર્ટની બેંચ મળે તે માટે નવી આશા જાગી છે.