New Delhi,તા.8
ભારત અને અમેરિકા વચ્ચેનો ટેરિફ વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનોના ભોગે અમેરિકા સામે નહીં ઝુકવાનુ જાહેર કરી જ દીધુ છે અને વળતી રણનીતિ ઘડવાની તૈયારી શરૂ કરી હોય તેમ આજે ઉચ્ચસ્તરીય કેબીનેટ બેઠક બોલાવવામાં આવી છે.
અમેરિકાએ લાગુ કરેલા ટેરિફની સંભવિત અસર તથા વળતા એકશન મુદે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના છે. અમેરિકાએ ભારત સહિત ડઝનબંધ દેશો પર 25 ટકા ટેરિફનો અમલ શરૂ કરી જ દીધો છે. તેની અસરોની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક રાખી છે.
રશિયા પાસેથી ભારત ક્રુડ ખરીદતુ હોવાથી ધુંધવાયેલા ટ્રમ્પે વધારાના 25 ટકા ટેરીફ પણ લાદયા છે. ઉપરાંત નવા નિયંત્રણોની ધમકી ઉચ્ચારી છે ત્યારે ભારતની રણનીતિ નકકી કરવા આ બેઠક રાખવામાં આવ્યાનું મનાય છે.
અમેરિકી ટેરિફથી ભારતના ટેકસટાઈલ્સ, ઈજનેરી, લેધર, જવેલરી સહિત અનેકવિધ ક્ષેત્રોની નિકાસને અસર થાય તેમ છે તે વિશે સમીક્ષા કરાશે. અમેરિકા સાથેની મડાગાંઠનુ મુખ્ય કારણ કૃષિ અને ડેરી ઉદ્યોગ છે. આ ક્ષેત્રો પણ ખુલ્લા મુકવા અમેરિકાનું દબાણ છે. પરંતુ ભારત તેમ કરવા તૈયાર નથી અને અડગ વલણ અપનાવ્યુ છે.