Moscow,તા.08
ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ગુરુવારે મોસ્કોની મુલાકાત દરમિયાન ક્રેમલિન ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સુરક્ષા, આર્થિક અને ઉર્જા સહયોગ પર દ્વિપક્ષીય વાટાઘાટો માટે મળ્યા હતા.
રશિયન રાજ્ય મીડિયા સ્પુટનિકે એક વીડિયો બહાર પાડ્યો જેમાં ડોભાલે ભારત-રશિયા સંબંધોને “ખૂબ જ ખાસ” ગણાવ્યા અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો.
તેમણે કહ્યું, ‘અમારો સંબંધ ખૂબ જ ખાસ અને જૂનો છે. અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને ખૂબ મહત્વ આપીએ છીએ. રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતના સમાચારથી અમે ખૂબ ખુશ છીએ. તારીખો લગભગ નક્કી થઈ ગઈ છે.’
પુતિન આ વર્ષે ભારતની મુલાકાત લઈ શકે છે
રાષ્ટ્રપતિ પુતિન આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં ભારતની મુલાકાત લઈ શકે છે. રશિયન સમાચાર એજન્સી ઝઅજજ એ સવારે NSAઅજિત ડોભાલને ટાંકીને આ માહિતી આપી હતી.
ડોભાલે રશિયન સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, “હવે આપણા સંબંધો ખૂબ જ ખાસ બની ગયા છે, જેની અમે પ્રશંસા કરીએ છીએ. આપણા દેશો વચ્ચે મજબૂત ભાગીદારી છે અને અમે ઉચ્ચ સ્તરે વાત કરીએ છીએ.”
રશિયા સાથેના ભારતના સંબંધો અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે. ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું કારણ જણાવીને ભારત પર પહેલા 25% અને પછી 50% ટેરિફ લાદ્યો.
પુતિન છેલ્લે 2021 માં ભારત આવ્યા હતા
રાષ્ટ્રપતિ પુતિન 06 ડિસેમ્બર 2021 ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ તેઓ માત્ર 4 કલાક માટે ભારત આવ્યા હતા. આ સમય દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 28 કરારો પર હસ્તાક્ષર થયા હતા.