New Delhi, તા. 11
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ છેતરપિંડી અટકાવવા અને જરૂરી કામકાજના કોલની સરળ ઓળખ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે બેંકિંગ કે સરકારી ક્ષેત્ર સિવાયની જરૂરી સેવાઓ પૂરી પાડતી કંપનીઓ-જેવી કે વીજળી, પાણી, એલપીજી ગેસ, સિટી ગેસ અને કુરિયર કે લોજિસ્ટિક્સ કંપનીઓ-તેમનાં ગ્રાહકોને સર્વિસ કે ડિલિવરી અંગેનાં જરૂરી કોલ કરવા માટે `1601′ સિરીઝના ખાસ નંબરનો જ ઉપયોગ કરશે.
હાલમાં બેંકો અને સરકારી સેવાઓ માટે ‘1600’ સિરીઝ અને જાહેરાતના કોલ્સ માટે `140′ સિરીઝ નક્કી થયેલી છે. મહત્વપૂર્ણ નાણાકીય કોલ અને દૈનિક સેવાઓનાં કોલ એકબીજામાં ભળી ન જાય તે માટે પ્રથમ તબક્કામાં યુટિલિટી અને કુરિયર સેક્ટર માટે આ નવી સિરીઝ ફાળવવામાં આવી છે.
ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને આગામી 90 દિવસમાં આ સિસ્ટમ અમલમાં મૂકવા આદેશ આપ્યો છે. આ `1601′ સિરીઝના નંબર કોઈ વચેટિયા કે એજન્સીને બદલે ચકાસણી કર્યા પછી સીધાં કંપનીઓને જ ફાળવવામાં આવશે.
સામાન્ય રીતે સાયબર ફ્રોડ કરનારા લોકો સામાન્ય 10 આંકડાના મોબાઈલ નંબર પરથી કોલ કરીને પોતે કુરિયર કે ગેસ કંપનીમાંથી બોલે છે તેવો ખોટો દાવો કરીને છેતરપિંડી કરતાં હોય છે.
હવે આ અલગ નંબર સિરીઝ આવવાથી ગ્રાહકો કંપનીનો સાચો અને અધિકૃત કોલ તુરંત ઓળખી શકશે. આ ખાસ નંબરનો ઉપયોગ કોઈ પણ પ્રકારની જાહેરાત કે પ્રોડક્ટ વેચવાના કામ માટે કરી શકાશે નહીં.

