અમરેલી જેલમાં બહેનોએ પોતાના ભાઈના ઓવારણાં લીધા હતા અને ભાઈઓની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી
Surat, તા.૯
સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યની વિવિધ જેલોમાં પણ કેદી ભાઈઓ અને તેમની બહેનો વચ્ચેના પવિત્ર સંબંધને ઉજવવામાં આવ્યો. સુરતની લાજપોર જેલથી લઈને જામનગર, મહીસાગર અને અમરેલી જિલ્લા જેલોમાં પણ ભાઈ-બહેનોના મિલનથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
સુરતની લાજપોર જેલમાં વહેલી સવારથી જ બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે રાહ જોઈ રહી હતી. બહેનોએ જ્યારે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી, ત્યારે ઘણા કેદીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. જે કેદીઓને બહેન નહોતી, તેમને પણ કેટલીક બહેનોએ રાખડી બાંધીને આ પર્વની ખુશીમાં સામેલ કર્યા હતા.
જામનગર જિલ્લા જેલમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેલ પ્રશાસન દ્વારા કડક પોલીસ સુરક્ષા વચ્ચે કેદી ભાઈઓ માટે ખાસ પૂજાના ટેબલ ગોઠવીને બહેનોને જેલ પરિસરમાં બોલાવવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની પવિત્ર ફરજ નિભાવી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
મહીસાગર અને અમરેલી જિલ્લા જેલોમાં રક્ષાબંધનની ઉજવણી એક ખાસ સંદેશ સાથે કરવામાં આવી. અહીં કેદી ભાઈઓએ પોતાની બહેનોને રાખડી બંધાવ્યા બાદ પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવા માટે એક વૃક્ષનો છોડ ભેટમાં આપ્યો હતો. અમરેલી જેલમાં બહેનોએ પોતાના ભાઈના ઓવારણાં લીધા હતા અને ભાઈઓની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે અનેક બહેનો ભાવુક થઈ હતી, અને ભાઈ-બહેનો વચ્ચેના અતૂટ પ્રેમની ગવાહી પૂરતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.