પોલીસે એમ પણ કહ્યું કે, કપિલ શર્માને આમાં કોઈ મુશ્કેલી ન થાય તે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહી છે
Mumbai, તા.૧૧
મુંબઈ પોલીસે જાણીતા કોમેડિયન કપિલ શર્માની સુરક્ષા વધારી દીધી છે. મુંબઈ પોલીસના એક વરિષ્ટ અધિકારીએ આ માહિતી આપી છે. થોડા દિવસ પહેલા કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર ગોળીબારની બે ઘટનાઓ સામે આવી હતી અને અભિનેતા સલમાન ખાન સાથેના સંબંધો અંગે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી આપવામાં આવેલી ધમકીઓ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, પોલીસ અધિકારીઓ આ અંગે ખુલાસો કરવા તૈયાર નથી. થોડા દિવસ પહેલા લોરેન્સ ગેંગના એક સભ્યએ આ ઘટનાની જવાબદારી લીધી હતી.
મુંબઈ પોલીસના વરિષ્ઠ સૂત્રોના કહેવું છે કે, કેટલી સુરક્ષા વધારવામાં આવી છે, તે અંગે માહિતી જાહેર કરી શકતા નથી. આ ઉપરાંત પોલીસે એમ પણ કહ્યું કે, કપિલ શર્માને આમાં કોઈ મુશ્કેલી ન થાય તે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
કપિલ શર્માના કેનેડા સ્થિત કેપ્સ કેફે માં બીજીવાર ગોળીબાર થયા પછી લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યનું ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, અભિનેતા સલમાન ખાનને કપિલ શર્માના રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હતો.
ગોળીબારના વાયરલ વીડિયોમાં ગોળીઓના અવાજ વચ્ચે એક અવાજ સંભળાયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમે ટારગેટ કરનારને ફોન કર્યો, પરંતુ તેણે સાંભળ્યું નહીં, તેથી અમારે આ પગલું ભરવું પડ્યું. જો હજુ પણ તે નહીં સાંભળે તો, ટૂંક સમયમાં મુંબઈમાં આગળનું પગલું લેવામાં આવશે.
કપિલ શર્માના કેફે પર ગુરુવારે એક મહિના કરતાં ઓછા સમયમાં બીજીવાર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં આશરે ૨૫ ગોળીઓ ચલાવવામાં આવી હતી અને બારીના કાચ તૂટી ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી ઢિલ્લોને સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોળીબારની જવાબદારી લીધી હતી. ઢિલ્લોન પંજાબ પોલીસ અને દ્ગૈંછ દ્વારા વોન્ટેડ છે.