લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યા બાદ અભદ્ર વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકીનો આક્ષેપ
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા આશરે આઠ મહિનાથી અલગ-અલગ સમયે બે શખ્સોએ તેની મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યાની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે પ્રતીકગીરી દોલતગીરી ગોસ્વામી અને અજય બરછા, બંને રહે. જામનગર, સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૬૪(૨)(એમ), ૫૪ અને ૩૫૧(૨) મુજબ ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આરોપી નં.૧ પ્રતીકગીરી ગોસ્વામીએ તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન તેણે યુવતીનો અભદ્ર વીડિયો ઉતારી લીધો હતો અને આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.ફરિયાદ મુજબ, ત્યારબાદ આરોપી નં.૧ દ્વારા યુવતીને આરોપી નં.૨ અજય બરછા સાથે પણ શરીરસંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ પછી અજય બરછાએ પણ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
યુવતીની ફરિયાદ અનુસાર, બંને આરોપીઓ દ્વારા અવારનવાર તેની મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો છેલ્લા આશરે આઠ મહિનાથી આજદિન સુધીનો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.દરમિયાન યુવતીના પતિને ફોન કરીને ગાળો તથા ધમકી આપવાના અગાઉના આક્ષેપો અંગે પણ પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અરજીની તપાસ સિટી સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી.
હાલ સિટી સી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરવાની તેમજ બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

